January 27, 2025

MLA ઉમેશ મકવાણાની વ્યસનમુક્તિને લઈને અનોખી પહેલ, કરી મોટી જાહેરાત !

MLA - NEWSCAPITAL

બોટાદઃ રાજ્યમાં ડ્રગ્સના દૂષણને લઈને આપ MLA ઉમેશ મકવાણાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પંજાબ પોલીસે ગુજરાતમાં આવીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી. સાથે જ પોતાના મતવિસ્તારમાં વ્યસનમુક્તિને લઈને પણ ધારાસભ્યએ એક અનોખી પહેલની શરૂઆત કરી છે.

બોટાદના લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ખુલ્લેઆમ ફરે છે

ગતરોજ વિધાનસભા ગૃહમાં સરકારે રાજ્યમાં ડ્રગ્સના આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. રાજ્યમાં ડ્રગ્સના દૂષણ પર AAP MLA ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 32 હજાર 590 કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. પંજાબ પોલીસે ગુજરાતમાં આવીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી. ગુજરાત પોલીસે ડ્રગ્સના 100 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આ 100 જેટલા આરોપીઓમાંથી 80% આજે બહાર ફરી રહ્યાં છેે. તેમણે કહ્યું કે, મુંદ્રા પોર્ટ પરથી હજારો કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. પહેલા બહારથી ડ્રગ્સ આવતુ હતુ, આજે ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. મહાનગરોના યુવાનોને બરબાદ કરવાનું આ કાવતરુ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એક દિવસ પણ એવો નહીં હોય કે ગુજરાતમાંથી નકલી સિરપ, દારૂ ન ઝડપાયો હોય, આવા આરોપીઓ પર કેમ ગુજસીટોકનો ગુનો નથી નોંધાતો ? બોટાદના લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે.MLA - NEWSCAPITAL

આ પણ વાંચો : PM જન્મે પણ બક્ષીપંચ નથી અને કર્મે પણ બક્ષીપંચની લાગણી ધરાવતા નથીઃ અમિત ચાવડા 

100 યુવાનો વ્યસન છોડે તો તે ગામને રૂ. 5 લાખની ગ્રાન્ટ

એકતરફ રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે, ત્યારે AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વ્યસનમુક્તિ માટે પોતાના મતવિસ્તારમાં અનોખી પહેલ શરૂ કરી છે. આ પહેલ મુજબ, બોટાદ વિધાનસભામાં કોઈ પણ ગામમાંથી આવતા 100 યુવાનો વ્યસન છોડે તો તે ગામને રૂ. 5 લાખની ગ્રાન્ટ ધારાસભ્ય ઉમેશ મકવાણા ફાળવશે. આમ વ્યસનમુક્તિને પ્રોત્સાહન આપવા ધારાસભ્ય દ્વારા અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે.