December 23, 2024

મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા

Mithun Chakraborty

કોલકાતા: દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ શનિવારે 10 ફેબ્રુઆરીની સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિથુન ચક્રવર્તીની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સૂત્રોએ જણાવ્યું કે તેમની સારવાર ચાલી રહી છે.

મિથુન પોતાના આંસુ રોકી શક્યા ન હતા

મિથુન ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ટીવી શો ‘સારેગાપામા’ના એપિસોડમાં મુખ્ય અતિથિ તરીકે જોવા મળ્યા હતા. ત્યાં પુત્ર નમાશી ચક્રવર્તીએ પિતાને એક સુંદર વીડિયો મેસેજ મોકલ્યો હતો, જેને સાંભળીને મિથુન પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: ‘વ્યક્ત નથી કરી શકતો, એટલી ખુશી છે’, પદ્મ ભૂષણ મળવા પર મિથુન ચક્રવર્તીની પ્રતિક્રિયા

મિથુન ચક્રવર્તીને અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

આ પહેલા વર્ષ 2022માં પણ હોસ્પિટલમાંથી મિથુન ચક્રવર્તીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ નારાજ થઈ ગયા હતા. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી. જે બાદ તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પિતાની કિડનીમાં પથરી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પદ્મ ભૂષણ માટે નામાંકિત થયા

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ  મિથુન ચક્રવર્તીએ પદ્મ ભૂષણ માટે નામાંકિત થયા પછી, મિથુન ચક્રવર્તીએ આ સન્માન મેળવવા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો હતો.

પદ્મ ભૂષણ એવોર્ડ મળવા પર મિથુન ચક્રવર્તીએ શું કહ્યું?

મિથુન ચક્રવર્તીએ કહ્યું, “ઘણી ખુશી છે, ઘણો આનંદ છે, એક લાગણી છે જે હું સમજાવી શકતો નથી. ઘણી બધી પરેશાનીઓ પછી, જ્યારે કોઈને આટલું મોટું સન્માન મળે છે, ત્યારે ખુશી કંઈક અલગ હોય છે. હું દરેકનો આભાર માનું છું.” મને આટલું સન્માન આપવા બદલ હું તમારો આભાર કહેવા માંગુ છું. મિથુને વધુમાં કહ્યું કે હું આ સન્માન દેશ અને સમગ્ર વિશ્વમાં મારા ચાહકોને સમર્પિત કરું છું જેમણે મને નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો છે. આભાર મને ખૂબ પ્રેમ અને આદર આપવા બદલ.