November 15, 2024

વડોદરા: તરસાલી ધન્યાવી રોડ પર ‘ખાડામાં રોડ કે રોડ પર ખાડા’ કહેવું મુશ્કેલ

દર્શન ચૌધરી, વડોદરા: વડોદરામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રિ મોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી છે. અહીં રોડ-રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું રાજ છે. વડોદરા શહેરના તરસાલી ધન્યાવી રોડ પર અસંખ્ય ખાડાઓને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો 108માં કોઈ પ્રસૂતાને હોસ્પિટલ લઇ જવાની હોય તો આ રસ્ એ હદે ખરાબ છે કે તે પ્રસુતાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ થઈ જાય.

ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તરસાલી ધન્યાવી રોડ પર અસંખ્ય ખાડાઓ પડતા ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે કહેવું મુશ્કેલ બની જાય છે. અહીં છેલ્લા ચાર વર્ષથી નાગરિકો અને વાહન ચાલકો રોડની સમસ્યાથી જજુમી રહ્યા છે પરંતુ સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્વરિત ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કરી રહ્યા છે. જે સદંતર પોકળ સાબિત થઈ રહ્યા છે અને આ બાબતે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કબૂલ્યું હતું કે. રોડની સમસ્યાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર સહિતને રજૂઆતો કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવે છે.

બીજી તરફ સ્થાનિકો અને વાહન ચાલકો પણ ખાડાઓને લઈ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ રોડ કાયાવરોહણને જોડતો હોય વાહન ચાલકોને ઊંટ ઉપર સવારી કરી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કોર્પોરેશન તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી ત્વરિત કામગીરી હાથ ધરે તેવી રહીશો એ માંગ કરી હતી. તો બીજી તરફ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કોરું નીકળે એટલે તુરંત જ ખાડા પૂરવાની કાર્યવાહી હાથ ધરાશે અને બાહેધરી આપી હતી. જોકે હાલમાં માત્ર ખાડા પૂરવાની બાહેધરી આપી છે પરંતુ રોડ ક્યારે બનશે તે હજુ સુધી દિશા નિર્દેશ મળ્યો નથી.