ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે 17 કરોડના ખર્ચે બનાવ્યું LIVE જહાજ
કમલેશ રાવલ, મહેસાણાઃ દરિયામાં લાખો ટન સામાન લઈને તરતું જહાજ કેવું હોય? જહાજનું એન્જિન કેવું હોય અને લાખો ટન વજન ભરેલું જહાજ કેવી રીતે પાણી પણ તરતું હશે તે સવાલ સૌ કોઈને ઉદ્દભવતો હોય છે. તમામ લોકોને જહાજની કાર્યપ્રણાલીને નજીકથી જોવાનો મોકો નથી મળતો. ત્યારે મહેસાણાની એક ખાનગી યુનિવર્સિટીમાં ઘરઆંગણે આખે આખું જહાજ તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ તૈયાર કરવા પાછળ 17 કરોડ રૂપિયા ખર્ચ થયો છે અને તે અદ્દલ જહાજની જેમ જ કામ કરે છે.
એક દેશમાંથી બીજા દેશમાં લાખો ટન સામાનની હેરાફેરી માટે દરિયાઇ માર્ગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરિયાના પાણી ઉપર લાખો ટન સામાન સાથે તરતું જહાજ એક પરિકલ્પનાથી ઓછું નથી. જો કે, સૌ કોઈને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે, આખરે જહાજમાં કેવું એન્જિન વપરાય છે. જહાજની કાર્યપ્રણાલી કેવી હોય છે? અલબત્ત બધા લોકો જહાજની કાર્યપ્રણાલી નજીકથી નથી જોઈ શકતા. એમાંય દરિયાથી 500 કિલોમીટર દૂર એવા મહેસાણા જિલ્લામાં જહાજ નજીકથી જોવા મળે તે લગભગ અશક્ય છે.
મહેસાણામાં હવે લોકો નજીકથી જહાજને જોઈ શકે તે માટે ગણપત યુનિવર્સિટીમાં આખેઆખું જહાજ તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ તૈયાર કરવા પાછળ 8 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. તેની કાર્યપ્રલાણી અદ્દલ દરિયામાં તરતા જહાજ જેવી છે. આ જહાજમાં પણ તમામ એન્જિન લગાવ્યા છે અને તમામ એન્જિન ચાલુ કન્ડિશનમાં છે.
હવે આપને સવાલ થશે કે, ખેરવાની ગણપત યુનિવર્સિટીમાં આ જહાજ કેમ તૈયાર કરવામાં આવ્યું અને તેની પાછળ આટલી મોટી રકમનો કેમ ખર્ચ કરવામાં આવ્યો. જમીન ઉપર જહાજ બનાવવા પાછળનું કારણ એવું છે કે, આ યુનિવર્સિટીમાં એકમાત્ર આખા ગુજરાતમાં મરીન એન્જિનિયરીંગનો અભ્યાસક્રમ ચલાવાય છે. મરીન એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને જહાજ અને તેની કાર્યપ્રલાણી વિશે ખૂબ ગહનતાથી અભ્યાસ કરવાનો હોય છે.
આમ તો મોટાભાગની સંસ્થાઓ સિમ્યુલેટર આધારે જ અભ્યાસ કરાવે છે. પરંતુ ગણપત યુનિવર્સિટીમાં સિમ્યુલેટરને બદલે આખે આખું અસલી જહાજ જ તૈયાર કરાયું છે. આ જહાજ મરીનના વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય વિદ્યાર્થી અને આમ નાગરિકો માટે પણ નિદર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ કારણે મહેસાણામાં પણ લોકો જહાજને નજીકથી જોઈ શકે.
મહેસાણા જિલ્લો દરિયાથી ઘણો દૂર છે. ત્યારે મહેસાણામાં લોકોને નજીકથી જહાજ જોવા મળે તે જિલ્લાની પ્રજા માટે એક લોટરીથી કમ નથી. ત્યારે યુનિવર્સિટીએ પણ આ જહાજનો વધુમાં વધુ લોકો મુલાકાત કરે તેવો પ્રયાસ કર્યો છે.