December 25, 2024

ડિંગુચા પરિવારને ગેરકાયદેસર ઘુસાડનારા મુખ્ય એજન્ટની શિકાગોમાં ધરપકડ

mahesana dingucha family illegeal entry in america main accused arrested from chicago

ડિંગુચા પરિવારની ફાઇલ તસવીર

અમદાવાદઃ US બોર્ડર પર ચાર ગુજરાતીનાં મોત કેસ મામલે શિકાગોમાંથી ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હર્ષ પટેલની ત્યાંની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ મામલે તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગેરકાયદેસર ઘુસણખોરી કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ઘુસણખોરી કરતા મહેસાણાના ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ કબૂતરબાજીનો પર્દાફાશ થયો હતો અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અંદાજે એકાદ વર્ષ પહેલાં અમેરિકા-કેનેડા બોર્ડરે ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન એક પરિવાર મોતને ભેટ્યો હતો. ત્યારે આ ઘટના બાદ કલોલ નજીકના ડિંગુચા ગામનો પરિવાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી અને તેમને ઘુસણખોરીમાં મદદ કરનારા વ્યક્તિની ધરપકડ કરી હતી. તે સમયે ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

અમેરિકા-કેનેડાની બોર્ડ પર પ્રવેશ દરમિયાન તાપમાન ખૂબ જ નીચુ જતુ રહ્યુ હતુ. ત્યારે આ પરિવારના ચારેય સભ્યો ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મોત નીપજ્યુ હતુ. ડિંગુચા પરિવાર પહેલા દુબઈ ગયો હતો અને ત્યાંથી ટોરન્ટો ગયો હતો. ત્યાં વીનીપેગ વિસ્તારમાં બાળકોના ઠંડીને કારણે મોત નીપજ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ હતુ કે, વીનીપેગમાં એજન્ટે પરિવારને છોડી દીધો હતો. આ મામલે વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

આ મામલે બોબી પટેલ બાદ અન્ય બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ભાવેશ પટેલ અને યોગેશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન, યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ શખસોએ જ વીનીપેગમાં પરિવારને છોડ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોને ગેરકાયદેસર રીતે કેનેડા-અમેરિકા મોકલ્યા હતા.