May 18, 2024

ગિરનાર પર ગંદકીનો વિવાદ, સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું

gujarat high court girnar gandki government present sogandnamu

ગિરનાર - ફાઇલ તસવીર

અમદાવાદઃ ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય મંદિર અને અંબાજી મંદિરની આસપાસ ગંદકીનો વિવાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.

ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગિરનાર અભયારણ્યમાં આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધની અમલવારી માટે 6 અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે.

અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને દાતાર મંદિર પાસે પણ ટીમ તહેનાત રહેશે. મંદિરોની આસપાસની સફાઈ માટેની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પર સફાઈ કર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

કચ્છના રણમાં પણ પ્લાસ્ટિકની ગંદકી જોવા મળતા સરકારને તેનું ધ્યાન રાખવા કોર્ટને જણાવવામાં આવ્યું છે. અભયારણ્ય વિસ્તાર કે ઇકો સેન્સિટિવ ઝોન આસપાસમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટેની બ્લૂ પ્રિન્ટ અને એક્શન પ્લાન રજૂ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

જૂનાગઢ કલેક્ટર વિશે અવલોકન કરતા કોર્ટે નોંધ્યું છે કે, ‘સૌ પ્રથમ અધિકારીઓએ સંવેદનશીલ થવું પડશે તો લોકોમાં સંવેદનશીલતા લાવી શકાશે. 8 માર્ચના રોજ આવતી મહાશિવરાત્રિને લઈને અત્યારથી જ યોગ્ય પગલાં ભરવા જોઈએ.’

પ્લાસ્ટિક પ્રતિબંધ બાબતે યોગ્ય જનજાગૃતિ લાવવાના કોર્ટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત 28 માર્ચ સુધીમાં વિસ્તૃત એક્શન પ્લાન સાથેની વિગતો કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.