February 26, 2025

મહાશિવરાત્રીએ ભવનાથ મહાદેવ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર, મધ્યરાત્રીએ મૃગીકુંડમાં નાગા સાધુઓનું સ્નાન થશે

જૂનાગઢ: આજે મહાશિવરાત્રીને લઈને ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી ભવનાથ મહાદેવ મંદિરની બહાર ભાવિકોની ભીડ જોવા મળી હતી. ઘારાસભ્ય સંજય કોરડીયાએ પરિવાર સાથે ભગવાન ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયાએ પણ ભવનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભવનાથ મહાદેવના દર્શન કરવા આવશે અને ભવનાથમાં વિવિધ આશ્રમોની મુલાકાત કરી સાધુ સંતોની શુભેચ્છા મુલાકાત કરશે.

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આજે છેલ્લો દિવસ છે, રાત્રીના જૂના અખાડાથી નાગા સાધુઓની રવાડી નીકળશે અને તે ભવનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે, બાદમાં મૃગીકુંડમાં નાગા સાધુઓનું સ્નાન થશે. ત્યાર બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતી થશે.