May 20, 2024

MP: ભાજપે છ બેઠકો માટે બનાવી પેનલ, શિવરાજ અંગે સસ્પેન્સ…

નવી દિલ્હી: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ ભાજપે હવે લોકસભા ચૂંટણી 2024 (lok Sabha Election 2024)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ (BJP) ચોંકાવનારા નિર્ણયો લે તેવી સંભાવના છે. બુધવારે ભોપાલમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશની 6 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરીને કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવી છે. બીજી બાજુ કૈલાશ વિજયવર્ગીયએ આ બેઠકમાં કહ્યું કે, પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ છિંદવાડાથી ચૂંટણી લડાવી શકાય છે. જો કે હાલમાં ભાજપ દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં રાજ્યસભાની પાંચ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. જેને પગલે ભાજપ હવે ટૂંક સમયમાં રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરશે. માહિતી અનુસાર ભાજપ રાજ્યસભાના ઉમેદવારોની સાથે મધ્યપ્રદેશની છ લોકસભા બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરી શકે છે. ભાજપના સૂત્રો અનુસાર મુરૈના લોકસભા સીટ પરથી આઉટગોઇંગ સાંસદ નરેન્દ્ર સિંહ તોમર, પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા, પૂર્વ સહકાર મંત્રી અરવિંદ ભદૌરિયા, બ્રજરાજ સિંહના નામ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે જબલપુર સીટ પર સાંસદ રાકેશ સિંહ, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રહલાદ પટેલ, આશિષ દુબે, સુશીલ તિવારીનું નામ સામેલ છે.

માહિતી અનુસાર સીધી સીટ પર રીતિ પાઠક, શરદેન્દુ તિવારી, કાંતદેવ સિંહ, દમોહ બેઠક પર પ્રહલાદ પટેલ, ઋષિ લોધી, પ્રદ્યુમન સિંહ લોધી, જયંત મલૈયા અને હોશંગાબાદ બેઠક પરથી સીતાશરણ શર્મા, રામપાલ સિંહ, નરેન્દ્ર પટેલ, વિજયપાલ સિંહના નામ ઉમેરવામાં આવ્યા છે. છિંદવાડા સીટ પર બીજેપી જિલ્લા પ્રમુખ બંટી સાહુ, નાથન શાહ, મોનિકા શાહના નામ સામેલ કરવામાં આવ્યા છે.

ચૌહાણ અંગે સસ્પેન્સ
કૈલાશ વિજયવર્ગીય એ જાહેરાત કરી છે કે શિવરાજ સિંહ ચૌહાણ છિંદવાડા સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. છિંદવાડા એકમાત્ર એવી બેઠક છે જે કોંગ્રેસ પાસે છે અને બાકીની 28 બેઠકો ભાજપ પાસે છે. નોંધનયી છે કે કમલનાથના પુત્ર નકુલ નાથ હાલમાં છિંદવાડાથી સાંસદ છે. ભાજપ આ વખતે કોઈપણ ભોગે કમલનાથ પરિવારની આ સીટને પોતાના કબજામાં લાવવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કમલનાથ પોતે અથવા તેમના પુત્ર નકુલ નાથ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે કમલનાથે આ તમામ બાબતોને નકારી કાઢી છે. બીજી બાજુ કૈલાશ વિજયવર્ગીયના માધ્યમથી નવી ચર્ચા સામે આવી છે કે શિવરાજ સિંહ ચૌહાણ છિંદવાડા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો : યુપીમાં ફરી ભાજપની લહેર, કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા: સર્વે

રાજ્યસભામાં જાહેર થઈ શકે છે આ નામ
એપ્રિલમાં ખાલી પડી રહેલી મધ્ય પ્રદેશની પાંચ રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન, એલ મુરુગન, અજય પ્રતાપ સિંહ, કૈલાશ સોની અને કોંગ્રેસના રાજમણિ પટેલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાન અને એલ મુરુગન બીજેપી પાસે રહેલી ચારમાંથી બે બેઠકો પર ફરીથી રાજ્યસભામાં જઈ શકે તેવી સંભાવના છે. બીજી અન્ય બે બેઠકો પર જયભાન સિંહ પવૈયા, લાલ સિંહ આર્ય, વિનોદ ગોટિયા, રંજના બઘેલના નામ કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવ્યા છે.