આનંદો ! ગૃહિણીઓને સરકારની મોટી ભેટ, LPG સિલિન્ડમાં થયો ભાવ ઘટાડો
વર્ષ 2024ની શરૂઆત થતા પહેલાં જ સરકારે ગૃહિણીઓને મોટી ભેટ આપી છે. મળતી માહિતી અનુસાર સરકારી તેલ કંપનીઓએ ડિસેમ્બરના અંત પહેલા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને અન્ય શહેરોમાં ગેસ સિલિન્ડર સસ્તા ભાવે મળશે. ગેસ સિલિન્ડર સપ્લાય કરતી કંપની ઈન્ડેને શુક્રવાર 22 ડિસેમ્બરથી સિલિન્ડરના ભાવમાં રૂ. 39.50નો ઘટાડો કર્યો છે. ઘટાડેલી કિંમત પણ આજથી જ લાગુ કરી દેવામાં આવી છે.
ઈન્ડેન ગેસ એજન્સીએ શુક્રવારે કહ્યું કે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો મહિનાના અંત પહેલા જ ઘટાડી દેવામાં આવી છે.
હવે ભાવ શું છે?
ઈન્ડેને કોમર્શિયલ સિલિન્ડર માટે નવા દરો જાહેર કર્યા છે. કંપનીએ કહ્યું છે કે હવે દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર 1,757 રૂપિયામાં મળશે, જે પહેલા 1796.50 રૂપિયામાં મળતો હતો. આ સિવાય કોલકાતામાં તે 1,908 રૂપિયાથી ઘટીને 1,868.50 રૂપિયા પર આવી ગયો છે. મુંબઈમાં 19 કિલોનું સિલિન્ડર હવે 1,710 રૂપિયામાં મળશે, જે અત્યાર સુધી 1,749 રૂપિયામાં મળતું હતું. ચેન્નાઈમાં પણ સિલિન્ડરની કિંમત 1,968.50 રૂપિયાથી ઘટીને 1,929 રૂપિયા થઈ ગઈ છે.
આ પણ જુઓ : એકાઉન્ટમાં નથી એક પણ રૂપિયો તો આપવી પડશે પેનલ્ટી? RBIનો આ નિયમ છે જાણવા જેવો
સતત બે વખત વધ્યા હતા ભાવ
આ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બે વખત વધારો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો, જ્યારે આ પહેલા 1 નવેમ્બરના રોજ પણ 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના ભાવમાં સીધા રૂ.100નો વધારો કરવામાં આવ્યો હતો.
ઘરેલું સિલિન્ડર પર કોઈ અસર નહીં
હાલમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 30 ઓગસ્ટના રોજ 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે પણ ઘરેલું ગેસ સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં મળે છે.