November 14, 2024

Loksabha Election: શું આજે 1984માં બનેલો રેકોર્ડ તૂટી જશે?

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ વખતે ભાજપ માત્ર મહત્તમ બેઠકો જીતવાનો જ નહીં પણ સૌથી વધુ મત ટકાવારીનો રેકોર્ડ પણ બનાવી શકે છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતના રેકોર્ડની વાત કરવામાં આવે તો 49.10 ટકા મત મેળવવાનો રેકોર્ડ છે. જે 1984ની ચૂંટણીમાં કોંગ્રેસે બનાવ્યો હતો.

માન્યતા તૂટી શકે છે
તમને જણાવી દઈએ કે આજ દિન સુધી કોઈ પણ પક્ષને 50 ટકા વોટ મળ્યા નથી. પરંતુ આ વખતે તે માન્યતા તૂટી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે પાર્ટી સતત ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપ સત્તા કબજે કરવા જઈ રહી છે. રાજકારણને જાણતા લોકોનું કહેવું છે કે ભાજપ માત્ર મહત્તમ બેઠકો જ નહીં પરંતુ સૌથી વધુ મત ટકાવારીનો રેકોર્ડ પણ બનાવી શકે છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પેદા થયેલી સહાનુભૂતિના કારણે કોંગ્રેસે રેકોર્ડ 415 બેઠકો જીતી હતી. વર્ષ 1984 માં 542 બેઠકોમાંથી માત્ર 515 પર ચૂંટણી થઈ હતી. આ વખતે કોંગ્રેસ ખુબ નબળી જોવા મળી રહી છે. વર્ષ 1998માં ભાજપને 25.59% વોટ મળ્યા હતા. વર્ષ 1999માં કોંગ્રેસ કરતાં 5 ટકા ઓછા મતો હોવા છતાં ભાજપે સરકાર બનાવી હતી. 4 વખત કોંગ્રેસ પાસે વધુ વોટ શેર હતું પરંતુ એમ છતાં 1996, 1998 અને 1999 અને 1989માં ભાજપે સરકાર બનાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014-2019માં ભાજપ-કોંગ્રેસને કેટલા મત મળ્યા હતા?

પરિણામો પર નજર
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. હવે પરિમામનો વારો છે. 18મી લોકસભા માટે કુલ 8360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ ચૂંટણી દરમિયાન મતની ટકાવારી મુખ્ય ચર્ચાનો વિષય રહી હતી. શરૂઆતમાં વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે પંચે આ વાતને નકારી કાઢી હતી. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં સાત તબક્કામાં વોટ ટકાવારીમાં ઘટાડો થયો છે. જો કે મતદાન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ દરમિયાન 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલના અંદાજમાં ભાજપ અને એનડીએ માટે જંગી બહુમતી દર્શાવવામાં આવી છે.