May 6, 2024

‘વન નેશન-વન ઇલેક્શન’ પર PM મોદીનો શું છે પ્લાન? રાજનાથ સિંહે કર્યો ખુલાસો

On One Nation One Election: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારની વચ્ચે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે (24 એપ્રિલ) વન નેશન-વન ઇલેક્શન પર સરકારની યોજના જાહેર કરી. આંધ્રપ્રદેશમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યોની સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ, તેનાથી ખર્ચાઓ પર રોક લાગશે. રાજનાથ સિંહે આવા સમયે વન નેશન-વન ઇલેક્શનને લઈને નિવેદન આપ્યું છે. જ્યારે લોકસભા ચૂંટણીની સાથે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જેમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે.

રાજનાથ સિંહે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘વન નેશન-વન ઇલેક્શન પાછળ આપણા વડાપ્રધાન મોદીનો વિચાર એ છે કે દેશમાં વારંવાર ચૂંટણીઓ યોજાય અને લોકો ચૂંટણીમાં સમાન રીતે જોડાયેલા રહે.’ જેમાં વાંરવાર ખર્ચ થાય છે. તેમજ ચૂંટણી થાય ત્યારે આચારસંહિતા લાગુ પડે છે અને વિકાસના કામો પણ અટકી જાય છે.

તેમણે કહ્યું, ‘હું માનું છું કે વન નેશન-વન ઇલેક્શન આ સમસ્યાને ઉકેલવા માટે ખૂબ જ સારું માધ્યમ હશે. તેથી, અમે વિચાર્યું છે કે આ વખતે આંધ્રપ્રદેશમાં સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ રહી છે, તો ભવિષ્યમાં પણ ભારતના તમામ રાજ્યોની સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવી જોઈએ. આપણે સંસાધનોની બચત કરી શકીશું અને સમય પણ બચાવી શકીશું.’

આંધ્રપ્રદેશમાં આ દિવસે મતદાન થશે
ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 બેઠકો છે. અહીંની તમામ 25 બેઠકો પર 13 મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. હાલમાં આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર છે. ભાજપે અહીં ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કર્યું છે.