December 23, 2024

અમિત શાહ સાથે એક્સક્લૂઝિવ વાતચીત, કહ્યું – મોદીજીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા જનતા ઉત્સુક

lok sabha election gujarat gandhinagar amit shah exclusive interview

જયેશ ચૌહાણ, અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ત્યારે અમિત શાહે તેમના મતવિસ્તાર ગાંધીનગર સહિત 6 વિધાનસભા બેઠકમાં પ્રચારના શ્રીગણેશ કર્યા છે. સાણંદથી તેમણે રોડશોની શરૂઆત કરી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

આ પ્રસંગે ન્યૂઝ કેપિટલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘પ્રજામાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે. ગાંધીનગર મતક્ષેત્રમાં પણ લોકોમાં ઉમળકા સાથે રોડ પર ઉતર્યા છે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક એક કાર્યકર્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશવાહક બન્યો છે. તેમણે 400 પારનો સંદેશ, વિકસિત ભારતનો સંદેશ, સુરક્ષિત ભારતનો સંદેશ તેમના મતવિસ્તારના લોકો સુધી, દરેક ઘર સુધી પહોંચાડ્યો છે.’

ઇન્ડિયા ગઠબંધન વિશે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, ‘દેશની જનતાએ નિર્ણય કરવાનો છે. બેવાર મોદીજી પર પૂર્ણ ભરોસો કર્યો છે. આ વખતે ગયા વખત કરતાં પણ વધુ બહુમતી સાથે, 400 પાર સાથે ત્રીજીવાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે.’ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીના ઘુસણખોરી અંગે તેમણે જણાવ્યુ છે કે, ‘દેશની સીમાઓને નરેન્દ્રભાઈએ સુરક્ષિત કરી છે અને તે અભિયાન ચાલુ રહેશે.’