May 1, 2024

ગુજરાતમાં ગરમીની સાથે રાજનીતિનો પારો પણ ચઢ્યો, શાહના રોડ શોમાં જનમેદની ઉમટી

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે આજે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને 14 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો છે. ગાંધીનગર લોકસભાની 6 વિધાનસભામાં રોડ શોનું આયોજન કરી દેવામાં આવ્યું છે. સાણંદ APMCથી નળ સરોવર ચોક સુધી રોડ શો યોજાવવાનો છે. આ રોડ શોમાં હજારો લોકો જોડાયા છે. ત્યારે બીજી તરફ વધતી ગરમી તેનો પ્રકોપ બતાવી રહી છે.

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારે સૂરજ પણ પોતાનું વલણ કડક કરી રહ્યો છે. રાજ્યમાં સતત ગરમીનું મોજું નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. રાજ્યના અમરેલી જિલ્લામાં બુધવારે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. ચાર શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું હતું જ્યારે અન્ય ચાર શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયું હતું. તો અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. હાલ રાજ્યના લોકોને બે-ત્રણ દિવસથી ગરમીમાંથી કોઈ રાહત દેખાતી નથી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે હીટવેવની ચેતવણી
હવામાન કેન્દ્ર અમદાવાદે ગુરુવારે પણ રાજ્યમાં ગરમીનું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે. જેમાં પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં આકરી ગરમીની સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાળકો, વૃદ્ધો અને ગંભીર રોગોથી પીડિત લોકોને સૂર્યના સીધા સંપર્કમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે. તેમને બપોરે કોઈ પણ કારણ વગર ઘરની બહાર ન નીકળવાની અને સમયાંતરે ORS, છાશ, લસ્સી, લીંબુ પાણી અને પાણી પીવાનું ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવાની પણ સલાહ આપવામાં આવે છે. ગુરુવારે પણ ગરમીનું મોજુ કચ્છના લોકોને પરેશાન કરી શકે છે. કચ્છમાં પણ હીટવેવની શક્યતા છે.

રાજકોટ, વડોદરામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 42 ડિગ્રીથી વધુ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે પણ રાજ્યમાં ગરમી વધારે હતી. સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રના રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગર જિલ્લાના સુરેન્દ્રનગર અને મહુવામાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો અહીં 42.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. સુરત, કંડલા એરપોર્ટ અને કેશોદમાં પણ પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો. ભાવનગરમાં 41.7 ડિગ્રી, ભુજમાં 41.6 અને વલ્લભવિદ્યાનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 40.7 અને ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદના મોટાભાગના માર્ગો બપોર બાદ સુમસામ જોવા મળ્યા હતા.