May 19, 2024

લોકસભાની બનાસકાંઠા બેઠક પર રાજકીય નેતાઓનું કેમ છે ખાસ ફોકસ

બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી અને ઠાકોર સમાજનો દબદબો છે.

Lok Sabha Election 2024, Banaskantha Seat: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દેશમાં કુલ સાત ચરણોમાં મતદાન થશે અને આપણા ગુજરાતમાં સાતમી મેના દિવસે મતદાન થશે. ત્યાં જ 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણીના આ મહાજંગમાં ગુજરાતની કેટલીક બેઠકો પર ખરાખરીનો જંગ જમવાનો છે. ત્યારે રાજ્યનો બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અહીં મુખ્યત્વે ખેતી, પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે.જિલ્લામાં આવેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે. બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભાની સીટો આવેલી છે. જેમાંથી ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં જ ચાર બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે. બીજી તરફ ધાનેરા વિધાનસભા બેઠક અપક્ષના ફાળે ગઈ છે. થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ભાજપના દિગ્ગજ નેતા છે તો જિલ્લામાં કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના શંકર ચૌધરીની બેઠકની હંમેશા ચર્ચા થતી રહે છે.

બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી અને ઠાકોર સમાજનો દબદબો છે. એટલે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારોની પસંદગી કરીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે, જિલ્લાના બંને મોટા સમાજના નેતાઓ આમને સામને છે. જેમાં એક તરફ ભાજપ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના નામે ચૂંટણી લડવા મેદાને છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર છે.

શિક્ષિત અને પ્રોફેસર રેખાબેન ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે. તેઓ ગલબાભાઈનાં પૌત્રી અને શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. છેલ્લી બે ટર્મથી વાવ વિધાનસભા પર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પસંદગી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને લડાકુ મિજાજ ધરાવતાં ગેનીબેન ઠાકોર સર્વ સમાજ અને બનાસની બહેનના સૂત્રને લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. બનાસકાંઠા લોકસભા બેઠક ગુજરાતના ઉત્તર પૂર્વ તરફ છે. ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં સાબરકાંઠા, દક્ષિણમાં મહેસાણા અને પશ્ચિમમાં પાટણ જિલ્લો છે. પાકિસ્તાનની સરહદે રણને સ્પર્શે છે. બનાસકાંઠા જિલ્લો સંવેદનશીલ સરહદોને કારણે ખૂબ મહત્ત્વ ધરાવે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ

આ જિલ્લાના અર્થતંત્રના કેન્દ્રસ્થાને કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, પ્રવાસન અને ખનીજ ઉદ્યોગ છે. લોકસભા બેઠકની વાત કરીએ તો 2004માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા ચૂંટાઈ આવ્યા હતા. 2009માં કોંગ્રેસના મુકેશ ગઢવીની જીત થઈ હતી. મુકેશ ગઢવીના અવસાન બાદ 2012માં પેટા ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી. 2014માં ફરી એકવાર હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી. 2019માં ભાજપના પરબત પટેલ વિજય બન્યા હતા એટલે કે લોકસભાની આ બેઠક ભાજપના ગઢસમાન ગણી શકાય.