May 20, 2024

અસામાજિક તત્વોને ભગાડનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરોઃ ગ્યાસુદ્દીન શેખ

Gujarat University stone pelting gyasuddin shaikh said suspend all police officer who helped accused

કોંગ્રેસી નેતા ગ્યાસુદ્દીન શેખે કડક પગલાં લેવાની માગણી કરી છે.

અમદાવાદઃ ગઈકાલે રાતે ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોકમાં આવેલી ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં પથ્થરમારાની ઘટના બની હતી. વિદેશી વિદ્યાર્થીઓ રમઝાન માસને પગલે નમાઝ અદા કરી રહ્યા હતા. તે સમયે કટ્ટર અસામાજિક તત્વોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો અને તણાવભરી પરિસ્થિતિ પેદા થઈ હતી. ત્યારે આ મામલે કોંગ્રેસી નેતા ગ્યાસુદ્દીન શેખે કડક પગલાં લેવાની માગણી કરી છે.

કટ્ટર અસામાજિક તત્વોએ હુમલો કર્યોઃ ગ્યાસુદ્દીન શેખ
આ મામલે કોંગ્રેસની નેતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતુ કે, ‘ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી અને તેની હાજરીમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો. ત્યારે પોલીસે ધરપકડ કરવાની જગ્યાએ તેમને સન્માનભેર જવા દીધા, ધરપકડ ના કરી. અમારી માગ છે કે, એ તમામ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ. તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ.’

રૂમમાં તોડફોડ-લૂંટ ચલાવવાનો આક્ષેપ
આ મામલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના જણાવ્યા પ્રમાણે, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા, ત્યારે કેટલાક કટ્ટર અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમના પર પથ્થરમારો કર્યો હતો અને તેમના રૂમમાં તોડફોડ સહિત લૂંટબાજી કરી હતી. ત્યારે આ તમામ મામલે 6 કલાક વીતી ગયા હોવા છતાં માત્ર ચોકીદારની ફરિયાદ લેવામાં આવી છે, વિદેશી વિદ્યાર્થીઓની ફરિયાદ લેવામાં આવી નથી. ત્યારે આ વિદ્યાર્થીઓની ફરિયાદ લેવામાં આવે અને ન્યાય અપાવવામાં આવે.

આ ઉપરાંત તેઓ ચીમકી ઉચ્ચારતા કહે છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું. અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ ઉપરાંત અમે મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રીને આ મામલે અરજી કરીને તેમનું ધ્યાન દોરીશું.

શું હતી સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. કટ્ટર અસામાજિક તત્વોના ટોળાએ વિદ્યાર્થીઓના વ્હિકલમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલના રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી છે.