November 25, 2024

લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ

આ બેઠક પર ભાજપ 10 અને કોંગ્રેસ 8 વખત જીત્યું છે.

Lok Sabha Election 2024, Bharuch: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આપણા ગુજરાતમાં સાતમી મેના દિવસે મતદાન થશે. ચૂંટણીના આ મહાજંગમાં ગુજરાતની કેટલીક બેઠકો પર ખરાખરીનો જંગ જમવાનો છે. વાત કરીએ ભરૂચની બેઠકની તો આ બેઠક અનેક રીતે ખાસ છે. અહીં આદિવાસી અને મુસ્લિમ મતદાતાઓનો દબદબો છે. એક રીતે તેઓ જ નક્કી કરે છે કે, આ બેઠક પરથી કોણ લોકસભામાં જશે.

ભરૂચમાં એશિયાની સોથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર આવેલી છે. અહીં છેલ્લી છ મુદતથી ભાજપના સાંસદ મનસુખ વસાવાની સતત જીત થઇ રહી છે. ભરૂચની લોકસભા બેઠક પર 15.56 લાખ કુલ મતદારો, 4.47 લાખ આદિવાસી મતદારો છે. અહીં ઉમેદવાર માટે રાજકીય પાર્ટીઓની પહેલી પસંદ આદિવાસી મતદારો રહે છે. આ બેઠક પર ભાજપ 10 અને કોંગ્રેસ 8 વખત જીત્યું છે.

ભરૂચ બેઠક પર પ્રથમ વખત 1951માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ વિજેતા બન્યા હતા. જોકે 1989 બાદથી આ બેઠક પર સતત ભાજપ વિજેતા બન્યું રહ્યું છે. ભાજપના ચંદુભાઇ દેશમુખ 4 વખત, મનસુખ વસાવા 6 વખત જીત્યા હતા. કોંગ્રેસના અહમદ પટેલ 3 વખત વિજેતા બન્યાં હતા.

આ વખતની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક માટે ઇન્ડી ગઠબંધને દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેના કારણે કોંગ્રેસમાં ભડકો થયો હતો. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું છે. આજ જોડાણના ભાગરૂપે ગુજરાતમાં ભાવનગર અને ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. ભરૂચ બેઠક પર ઉમેદવારીને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હતી. ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા, ઝઘડિયા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઇએ કે, એક માત્ર દેડિયાપાડાને બાદ કરતાં બાકીની તમામ 6 બેઠકો પર હાલ ભાજપનો કબજો છે. આ તરફ 2019માં થયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો ભાજપને 6.37 લાખ મત મળ્યા હતા જેની ટકાવારી 54.43 થાય છે. કોંગ્રેસને 3.03 લાખ મત મળ્યા હતા જેની ટકાવારી 26.38 થાય છે જ્યારે બીટીપીને 1.44 લાખ મત મળ્યા હતા જેની ટકાવારી 12.52 થાય છે.