સુરત લોકસભા સીટ પર ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત
સુરતઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે ગઈકાલે સુરતની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે. આ ચૂંટણીમાં અન્ય 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીત્યા છે.
સુરત લોકસભા બેઠક પર ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું છે. આ બેઠક પર ભાજપની મતદાન વગર જ જીત થઈ છે. અહીંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ટેકેદારો હાજર ન રહેતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેન્સલ કરી નાંખવામાં આવ્યું હતું. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જેને લઈને અન્ય 8 ઉમેદવારોએ ભરેલા ફોર્મ પરત ખેંચી લીધા છે.
સુરતની બેઠક પરથી ભાજપે આ વખતે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. ગઈકાલે હાઇવોલ્ટેજ ડ્રામા બાદ આખરે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
ગુજરાતની 26 બેઠકમાંથી હવે 25 બેઠક પર જ મતદાન યોજાવવાનું છે. સુરતની સીટ પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થતા હવે માત્ર 25 સીટ પર જ મતદાન થશે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ જીત્યું હોય.