May 4, 2024

PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું

PM Modi In Rajasthan : લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પીએમ નરેન્દ્ર મોદી રવિવારે (22 એપ્રિલ) રાજસ્થાનના જાલોર પહોંચ્યા હતા. જ્યાં સંબોધન કરતી વખતે તેમણે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો ચૂંટણી જીતી શકતા નથી તેમને રાજ્યસભા દ્વારા જીતાડીને બચાવી રહ્યા છે.

વિરોધ પક્ષો અને કોંગ્રેસના ‘INDIA’ ગઠબંધન પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, ‘તમે ઉદારતાથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા, તેઓ લાંબા સમયથી બીમાર હતા, પરંતુ શું તમે તેમને રાજસ્થાનમાં ફરી જોયા? જેઓ ચૂંટણી નથી લડી શકતા તેઓ ચૂંટણી જીતી નથી શકતા.

PM મોદીએ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વિશે શું કહ્યું?
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તેમણે કહ્યું કે, ‘આજે દેશના યુવાનો કોંગ્રેસનો ચહેરો જોવા નથી માંગતા. કોંગ્રેસની આજની હાલત માટે તેઓ પોતે જ જવાબદાર છે. જે પાર્ટીએ 60 વર્ષ સુધી શાસન કર્યું અને એક સમયે 400 બેઠકો જીતી હતી તે આજે 300 બેઠકો પર ચૂંટણી લડવા સક્ષમ નથી. આજે કોંગ્રેસ ઉમેદવારો પણ નથી મળી રહ્યાં. INDI એલાયન્સનો પતંગ ઉડે તે પહેલા જ કપાઈ ગયો છે. ગઠબંધન વાળા અંદરો અંદર જ લડી રહ્યા છે.’

પીએમ મોદીએ કહ્યું કે, આજે વિપક્ષી ગઠબંધનના પક્ષો દેશની 25 ટકા સીટો પર એકબીજા સામે લડી રહ્યા છે. જો ચૂંટણી પહેલા આ સ્થિતિ છે, તો ચૂંટણી પછી શું થશે. સભાને સંબોધતા પીએમએ કહ્યું, ત્રીજી વખત સરકાર બનતાની સાથે જ જેમને ઘર નથી મળ્યા તેમને ઘર આપીશું. આગામી સરકારમાં 3 કરોડ ઘર બનાવીશું. આ મોદીની ગેરંટી છે.

કોંગ્રેસે દેશને ખોખલો કરી દીધો છે: PM મોદી
મોદીએ કહ્યું કે દેશભક્તિથી ભરેલું રાજસ્થાન જાણે છે કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે. કોંગ્રેસ પાર્ટીની આજે જે હાલત છે તેના માટે તેઓ પોતે જ જવાબદાર છે. કોંગ્રેસે પરિવારવાદ અને ભ્રષ્ટાચારની ઉધઈ ફેલાવીને દેશને ખોખલો કરી નાખ્યો અને આજે દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં 5 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી તેણે પાણી યોજનામાં પણ કૌભાંડ આચર્યું છે. અમે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસનો ક્યારેય એવો ઇરાદો નહોતો કે અહીંના ખેડૂતોને અહીંના લોકોને પાણી મળે.