December 28, 2024

Lok Sabha 2024 : TMC બાદ હવે AAP પણ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે !

AAP - NEWSCAPITAL

લોકસભા 2024 ની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. એનડીએ અને ઈન્ડિયાના ગઠબંધનમાં બેઠકો અને મંથનનો દોર ચાલુ છે. હાલ રાહુલ ગાંધી કોંગ્રેસને મજબૂત કરવા ભારત જોડો ન્યાય યાત્રા પર છે. તો બીજી તરફ એનડીએમાં પણ સતત બેઠકો ચાલી રહી છે. હાલમાં, ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે આ દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથેના ઈન્ડિયા ગઠબંધનમાં તિરાડ ઉભી કરી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. પહેલા બંગાળ અને હવે ઈન્ડિયા ગઠબંધનને પંજાબમાંથી ફટકો પડ્યો છે.

AAP પંજાબની તમામ 13 સીટો પર ચૂંટણી જીતશે – CM માન 

મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે, આમ આદમી પાર્ટી પંજાબની તમામ 13 સીટો પર ચૂંટણી જીતશે. પંજાબ સંગઠનના એકલા ચૂંટણી લડવાના પ્રસ્તાવને દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલે મંજૂરી આપી દીધી છે. એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતી વખતે આમ આદમી પાર્ટી પણ મમતા બેનર્જીના માર્ગે ચાલી શકે છે અને કોંગ્રેસ પર તેના જિદ્દી વલણનો આરોપ લગાવી શકે છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં AAP પણ આની જાહેરાત કરશે.

આા પણ વાંચો : ‘INDIA’ ગાંઠબંધનને મોટો ઝટકો : મમતા બેનર્જીની જાહેરાત – બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડીશ

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે જાહેરાત કરી હતી કે, તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં 42 લોકસભા બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડશે અને પરિણામો જાહેર થયા પછી જ કોંગ્રેસ સાથે ઈન્ડિયા ગઠબંધન પર વિચાર કરશે. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મારો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. અમે એકલા લડીશું અને ચૂંટણી પછી અખિલ ભારતીય સ્તરના કરાર પર નિર્ણય કરીશું. મમતા બેનર્જીએ કહ્યું કે, મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક ધર્મનિરપેક્ષ પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા જ લડીશું અને ભાજપને હરાવીશું.