May 18, 2024

મમતા બેનર્જી વિના INDIA ગઠબંધનની કલ્પના પણ ન કરી શકાય : જયરામ રમેશ

INDIA - NEWSCAPITAL

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના લોકસભા 2024ની ચૂંટણી એકલા લડવાના નિવેદન પર કોંગ્રેસના સંચાર વિભાગના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, મમતા બેનર્જીનું આખું નિવેદન એવું છે કે અમે ભાજપને હરાવવા માંગીએ છીએ. આ લાંબી મુસાફરી છે. ક્યારેક રસ્તામાં સ્પીડ બ્રેકર આવે છે, તો ક્યારેક લીલી ઝંડી આવે છે. તૃણમૂલ કોંગ્રેસ એ ઈન્ડિયા ગઠબંધનનો ખૂબ જ મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. અમે મમતા બેનર્જી વિના ઈન્ડિયા ગઠબંધનની કલ્પના કરી શકતા નથી. કોઈક રસ્તો મળી જશે. ઉલ્લેખનીય છે કે, ટીએમસી ચીફ મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે ટીએમસી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. મમતા બેનર્જીએ કહ્યું કે, આગામી લોકસભા 2024 ની ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોની વહેંચણી પર તેમણે કોંગ્રેસમાં કોઈની સાથે વાત કરી નથી.

TMC બંગાળમાં એક મોટી પાર્ટી – AAP નેતા સૌરભ ભારદ્વાજ

ઈન્ડિયા ગઠબંધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર, દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં એક મોટી પાર્ટી છે, અને હાલ તે સત્તામાં છે. તેથી તેમના માટે બેઠકોની વહેંચણી થશે. થોડુ જટિલ છે, પરંતુ જે પણ નાના-મોટા મતભેદો હશે તેને ઉકેલવામાં આવશે કારણ કે વ્યાપક રીતે, રાહુલ ગાંધી હોય કે મમતા બેનર્જી, બંને ઈન્ડિયા ગઠબંધનની સફળતા માટે પ્રતિબદ્ધ છે.

આા પણ વાંચો : ‘INDIA’ ગાંઠબંધનને મોટો ઝટકો : મમતા બેનર્જીની જાહેરાત – બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડીશ

અમે બંગાળમાં એકલા હાથે લડીશું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે જાહેરાત કરી હતી કે, તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં 42 લોકસભા બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડશે અને પરિણામો જાહેર થયા પછી જ કોંગ્રેસ સાથે ઈન્ડિયા ગઠબંધન પર વિચાર કરશે. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મારો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. અમે એકલા લડીશું અને ચૂંટણી પછી અખિલ ભારતીય સ્તરના કરાર પર નિર્ણય કરીશું. મમતા બેનર્જીએ કહ્યું કે, મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક ધર્મનિરપેક્ષ પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા જ લડીશું અને ભાજપને હરાવીશું.