અમરેલીમાં ટ્રેન સાથે અથડાતા ચાર દિવસ બાદ સિંહણનું મોત, મહિનાની આ ત્રીજી ઘટના
ગુજરાતના અમરેલી જિલ્લાના જંગલમાં એક સિંહણ ટ્રેન સાથે અથડાઈ હતી. ઘટનાના ચાર દિવસ બાદ બુધવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મહિનામાં આ ત્રીજી ઘટના છે, જેમાં ટ્રેન સાથે અથડાતા સિંહનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ પેસેન્જર ટ્રેન સાથે અથડાયા બાદ સિંહણ ઘાયલ થઈ હતી. ત્યારબાદ જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બુધવારે તેનું મૃત્યુ થયું હતું. અગાઉ 3 જાન્યુઆરીએ વિજાપડી ગામમાં માલગાડી સાથે અથડાતાં સિંહણ ઘાયલ થઈ હતી. તે સિંહણની સારવાર કરવામાં આવી અને પછી તેને શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવી જોકે 11 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બીજા દિવસે 12 જાન્યુઆરીએ અમૃતવેલ ગામમાં ટ્રેન સાથે અથડાતા સિંહનું મોત થયું હતું.
રાજ્યના વનમંત્રીએ જવાબ આપ્યો
રાજ્યના વન મંત્રી મુળુ બેરાએ આ ઘટનાઓ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘વન્યજીવ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોની ગતિ ઘટાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. બીજી બાજુ રેલવે ટ્રેકની બાજુમાં ફેન્સીંગની ઉંચાઈ વધારવા પણ કહેવામાં આવ્યું છે. વન મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘આવી ઘટનાઓને રોકવા માટે અમે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે અમે યોગ્ય કાર્યવાહી કરીશું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા વન મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2021 અને 2022માં 240 સિંહોના મોત થયા છે. જેમાં અકુદરતી કારણોસર 26 મૃત્યુ થયા હતા.