December 6, 2024

ટિકિટ કાઉન્ટરની ઝંઝટમાંથી મુક્તિ: હવે ઘર બેઠા કરો કાંકરિયાની ટિકિટ બુક!!

અમદાવાદના કાંકરિયા લેકની મુલાકાત લેવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયાની ટિકિટ માટે લોકો માટે ઓનલાઇન વેબસાઇટમાંથી ટિકિટ બુક કરાવાની સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે. AMCએ આ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. હવે નાગરિકો કાંકરિયા લેક અને વિવિધ આકર્ષણોમાં પ્રવેશ માટે ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકશે. કાંકરિયા લેકે ઓનલાઈન ટિકિટ માટે વેબસાઈટ www.kankarialaketickets.com જાહેર કરી છે. બીજી બાજુ મોબાઈલ એપ્લિકેશન દ્વારા AMC સર્વિસમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ વિભાગમાંથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકાય છે.

નંબર પર SMS દ્વારા ટિકિટ ઉપલબ્ધ થશે
કાંકરિયા લેકની મુલાકાત કરવા ઈચ્છતા પ્રવાસીઓ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ઈન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ વોલેટ, ફાસ્ટ ટેગ, કાર્ડ સ્વાઈપ, સ્કેચ, એનએફસી જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને કોઈપણ સ્થળેથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે ઓનલાઈન ટિકિટ શરૂ કરી છે. જેમાં મુલાકાતીએ વેબસાઈટ અને એપ્લિકેશન પર ટિકિટ મેળવવા માટે પોતાનો મોબાઈલ નંબર, નામ અને ઈ-મેલ આઈડીની વિગતો આપવાની રહેશે. ટિકિટ પસંદ કર્યા પછી અને પૈસા ચૂકવ્યા પછી ટિકિટ QR કોડ સાથે જનરેટ થશે. આ ટિકિટ મુલાકાતીએ આપેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા પણ પ્રાપ્ત થશે. જે પ્રવેશ સમયે કાંકરિયા લેક ફ્રન્ટ સંકુલના પ્રવેશદ્વાર પર આપવાની રહેશે.

જાહેર જનતા માટે 7 પ્રવેશદ્વાર
હાલમાં મુલાકાતીઓને કાંકરિયા લેક પરના કુલ સાત એન્ટ્રી પોઈન્ટમાંથી પ્રવેશવાની છૂટ છે. પ્રવેશ મેળવવા માટે 12 વર્ષ સુધીના ઉંમરના મુલાકાતીઓ માટે વ્યક્તિ દીઠ રૂ. 5 અને 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓ માટે વ્યક્તિ દીઠ રૂ. 10ની એન્ટ્રી ફી ચૂકવવી પડશે. કાંકરિયા લેકના અન્ય આકર્ષણો જેમ કે કિડ્સ સિટી, ઝૂ, બાલવાટિકા અને બટરફ્લાય પાર્કની મુલાકાત લેતા મુલાકાતીઓએ નિશ્ચિત ફી ચૂકવીને ટિકિટ ખરીદવાની રહેશે.