શક્તિમાન બની લિફ્ટ, નીચેથી હાઈ સ્પીડમાં પહોંચી 25માં માળે
અમદાવાદ: ઉત્તર પ્રદેશના નોઈડાથી અવારનવાર લિફ્ટ અકસ્માતના સમાચારો પ્રકાશમાં આવે છે. આ જ ક્રમમાં રવિવારે મોડી રાત્રે સેક્ટર-137ની એક સોસાયટીમાં ફરી એકવાર લિફ્ટ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે સોસાયટીના લોકોમાં ભયનો માહોલ છે. મહત્વનું છે કે, આ ઘટના પારસ ટીએરા સોસાયટીમાં બની હતી.
મળતી માહિતી મુજબ સોસાયટીના ટાવર-5માં અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે તે નીચે જવાને બદલે બેકાબૂ રીતે ઉપર જવા લાગી અને 25માં માળે પહોંચી ગઈ. જેના કારણે લિફ્ટમાં હાજર ત્રણ લોકો ઘાયલ થયા હતા. સોસાયટીના લોકોએ જણાવ્યું કે લિફ્ટ ઝડપથી ઉપર જઈ રહી હતી ત્યારે ઉપરના માળની છત પણ તૂટી ગઈ હતી. આ કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. લિફ્ટમાં કુલ ત્રણ લોકો હતા જેમને ઈજા થઈ હતી.
આ પણ વાંચો: IGI એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી, હોસ્પિટલોને પણ ધમકીનો ઈમેલ મળ્યો
ઘટનાની જાણ થતાં જ સોસાયટીના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે કેટલાક સમયથી લિફ્ટની જાળવણી યોગ્ય રીતે થઈ રહી ન હતી. આ અંગે અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ મેઇન્ટેનન્સ વિભાગે તેનું સમારકામ કરાવ્યું ન હતું. હવે બિલ્ડીંગમાં એટલા બધા માળ છે કે લિફ્ટ વગર જવું શક્ય નથી. લોકો જીવના જોખમે લિફ્ટનો ઉપયોગ કરે છે. આ બેદરકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા રહીશોએ માંગ કરી છે. સોસાયટીના સેક્રેટરીએ કહ્યું કે, તેઓ આર્કિટેક્ટ અને બિલ્ડરો દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવશે. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો છે. ત્રણેય લોકોને ઈજા પહોંચી છે, પરંતુ હાલ તેમની તબિયત સારી છે. કેસની તપાસ ચાલી રહી છે.
લિફ્ટ અકસ્માતમાં 8 લોકો ઘાયલ
આ પહેલા નોઈડાના સેક્ટર-125માં એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગની અંદર આઠમા માળેથી એક લિફ્ટ પડી ગઈ હતી. જેના કારણે લિફ્ટનો ઉપયોગ કરી રહેલા 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે લિફ્ટમાં ઓવરલોડ થવાના કારણે અકસ્માત સર્જાયો હતો. લિફ્ટ આઠમા માળે ગઈ અને પછી અચાનક તે સીધી નીચે પડી ગઈ. મહત્વનું છે કે, લિફ્ટમાં ઘણા લોકો હતા. જેમાંથી 8 લોકો ઘાયલ થયા છે.
લિફ્ટ પડી જવાથી 8ના મોત થયા
આ પહેલા ગ્રેટર નોઈડા વેસ્ટના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિફ્ટ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. આ ઘટના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારની એક નિર્માણાધીન સોસાયટી આમ્રપાલી ડ્રીમ વેલીમાં બની હતી. અહીં લિફ્ટમાં 9 લોકો સવાર હતા. ત્યારબાદ લિફ્ટ ઉપર જતાં જ બ્રેક ફેલ થવાને કારણે તે ઝડપથી નીચે આવી ગઈ હતી.