September 12, 2024

સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખના ગેરવહીવટની તપાસમાં તંત્રની આળસ, કોંગ્રેસે કર્યા આક્ષેપો

અમિત રૂપાપરા, સુરત: સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ સામે 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્ર બાદ સહકાર વિભાગ અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત રજીસ્ટ્રાર દ્વારા તપાસ ન કરાતા તપાસ તાપી રજીસ્ટરને સોંપવામાં આવી હતી. હવે તાપી રજીસ્ટ્રાર પણ તપાસ ન કરતા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સુમુલ ડેરીમાં પશુપાલકો ખેડૂતો અને આદિવાસીઓને નોકરી આપવાના બદલે ભાજપના મળતીયાઓને નોકરી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપ પણ દર્શન નાયકે કર્યા છે.

સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને આ ડેરી પર સુરત અને તાપીના બે લાખ જેટલા પશુપાલકો નવી રહ્યા છે. ત્યારે આ ડેરીના પૂર્વ પ્રમુખ દ્વારા સરકારની અલગ અલગ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાનો ગેર વહીવટ કરવામાં આવ્યો હોવાનું પત્ર વર્તમાન પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો હતો. આ બાબતે મુખ્યમંત્રી અને સહકાર વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તપાસ સુરત જિલ્લા રજીસ્ટારને સોંપવામાં આવી હતી પરંતુ તપાસ બરાબરના થતા તપાસ તાપી જિલ્લા રજીસ્ટ્રાર ને સોંપવામાં આવી છે પરંતુ હજુ પણ આ બાબતે કોઈ તપાસ થઈ રહી નથી. ઉપરાંત સુમુલ ડેરીમાં કર્મચારીની ભરતી બાબતે પણ કોંગ્રેસનેતા દર્શન નાયક દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખરેખર ખેડૂત અને પશુપાલકના બદલે ભાજપના મળતીયાઓને નોકરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ દર્શન નાયક કોંગ્રેસના નેતા દ્વારા કરાયો છે.

કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત અને તાપીના બે લાખ જેટલા પશુપાલકો ધરાવતી સુમુલ ડેરીમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી મેન્ટડેટ હેઠળ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કામગીરી કરવામાં આવે છે. અગાઉ વર્તમાન પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ સામે ડેરીમાં સરકારની અલગ અલગ યોજનાઓ અંતર્ગત 1000 કરોડ રૂપિયાનો ગેર વહીવટ કરવામાં આવ્યો હોવાનું પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો હતો.

આ પત્રના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારની સામે તપાસના આદેશ કર્યા હતા અને પરંતુ સુરત જિલ્લા રજીસ્ટ્રારની ભૂંડી ભૂમિકા અંતર્ગત આ બાબતે તપાસ આદિન સુધી થઈ નથી. ત્યારબાદ આ તપાસ તાપી જિલ્લાના રજીસ્ટર ને સોંપવામાં આવી હતી પરંતુ દુઃખ સાથે હવે કહેવું પડે છે કે હાલમાં પણ જેમની સામે આક્ષેપ થયા છે અને જે આક્ષેપ કરનાર છે તે બંને પણ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે હાલ કાર્યરત છે. બે લાખ પશુપાલકોના કરોડો રૂપિયાના પરસેવાની કમાણી જેની તપાસ થવી જોઈએ તેની તપાસ અંતર્ગત મેં મુખ્યમંત્રી અને પત્ર લખ્યો હતો પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારની તપાસ થઈ રહી નથી.

બધા ભેગા સાથે મળીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના બદલે બધા સાથે મળીને મલાઈ ખાઈ રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. આવનારા દિવસોમાં સુમુલના ગેર વહીવટની બાબતમાં અને હાલમાં પણ ભરતીની બાબતમાં જે પ્રકારે બોર્ડ ઓફ ડાયરેક્ટર અને રાજકીય રીતે જે ભરતી ની પ્રક્રિયા ચાલે છે જે લોકો ખરેખર સભાસદ છે આદિવાસી ખેડૂત છે તેમને આમાં નોકરી મળવી જોઈએ પરંતુ તેના બદલે જે લોકોનું ખેડૂત નથી જે પશુપાલક નથી એવા લોકોને સુમુલ ડેરીમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. આ કામ પ્રમુખ અને ઉપપ્રમુખની બોડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આની સામે પણ આવનારા દિવસોમાં જાગૃતિ અભિયાન કરીને કે પછી અન્ય રીતે લડત ચલાવવા માટે આગામી દિવસોમાં રણનીતિ તૈયાર કરવામાં આવશે.