November 26, 2024

‘લેડી સેહવાગ’ શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 20 વર્ષની ઉંમરમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Shefali Verma: સાત વખતની ચેમ્પિયન ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2024ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આમાં સૌથી મોટો ફાળો ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માનો રહ્યો છે, જે લેડી સેહવાગ તરીકે જાણીતી છે. તેણે નેપાળ વિરૂદ્ધ 48 બોલમાં 81 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. હરિયાણાના રોહતની શેફાલી વર્માની આક્રામક બેટિંગ ક્ષમતા અદ્ભુત છે. મહિલા ક્રિકેટમાં તેની નીડર શૈલી જોઈને તેની સરખામણી પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ સાથે પણ થાય છે. વીરેન્દ્ર સેહવાગ અને શેફાલી વર્મા બંને હરિયાણાના છે. બંનેની ગણતરી ખતરનાક ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે.

નેપાળને 82 રનના માર્જીનથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ મંગળવારે રાત્રે નેપાળને 82 રનના માર્જિનથી હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી અને છ પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. શેફાલી આ મેચની સંપૂર્ણ રીતે હીરો રહી હતી, તેણે 48 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 81 રનની ઇનિંગ રમી હતી. આ એક એવી ઈનિંગ્સ હતી, જેણે નેપાળના બોલરોને કોઈ તક આપી ન હતી. શેફાલીને હેમલતાએ ટેકો આપ્યો હતો જેણે 42 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: Paris Olympics 2024 પર કોરોનાનો પડછાયો, ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ પોઝિટિવ

વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર
આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલી શેફાલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20 ઈન્ટરનેશનલમાં શેફાલી વર્માની આ 10મી અડધી સદી છે. શેફાલીએ તોફાની અડધી સદીની ઇનિંગ રમીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 20 વર્ષની શેફાલી મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં 20 કે તેથી ઓછી ઉંમરે 10 કે તેથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આમ કરીને શેફાલીએ મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.