કચ્છમાં ગળેફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઇડ નોટમાં આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ
કચ્છઃ જિલ્લામાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં તેની નોટબુકમાંથી સુસાઇડ નોટ મળતા આચાર્ય સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, રાપરના ભીમાસર ગામે ધોરણ 10માં ભણતી વિશ્વા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
જેમાં તપાસ દરમિયાન વિદ્યાર્થિનીની નોટબુકમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે આચાર્ય ‘તને નકામી પાસ કરી છે’ તેવું કહીને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે સુસાઇડ નોટને આધારે આચાર્ય સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.