December 22, 2024

ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 3 ઇસમોને ખેડા જિલ્લા પોલીસે દબોચ્યા

યોગીન દરજી, ખેડા: ખેડા જિલ્લા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 3 ઇસમોને દબોચ્યા છે. આરોપીઓને રૂ. 84 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા છે. મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમ્યાન ટ્રાવેલ્સ લકઝરી બસમાંથી હથિયારો સાથે આ ઈસમો ઝડપાયા હતા. મધ્ય પ્રદેશના કુક્ષીગામેથી જામનગર જઈ રહેલી ગૌરીપુત્ર ટ્રાવેલ્સની લકઝરી બસમાંથી ઝડપાયેલા ઇસમોને નામ પૂછતા મજબૂત સિંહ ગોહિલ, નરેશ જાડેજા અને દિલીપભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે કાળુસિંહ ડાભીનું નામ જાહેર કર્યું

આ ત્રણેય આરોપીઓ પાસેથી બે દેશી પિસ્તોલ, એક તમંચો તેમજ નવ જીવતા કારતૂસ મળ્યા હતા. મહત્વની બાબત છે કે ઝડપાયેલા ત્રણેય ઈસમો ભાવનગર જીલ્લાના રહેવાસી છે. જે ત્રણેય આર્મ્સ એક્ટ, મર્ડર, લૂંટ અને પ્રોહિબિશનના ગુનાના રીઢા આરોપીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપી તેમજ તેમને હથિયારો આપનાર કુક્ષી ગામના ઈસમ સહિત ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર ની તપાસ હાથ ધરી છે.