May 22, 2024

પાટણ જિલ્લાના રાજપૂત સમાજે જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

ભાવેશ ભોજક, પાટણ: પાટણ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ આજે પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. બીજેપી દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ગુજરાતની 26 બેઠકો અને દેશની તમામ લોકસભા બેઠકો ઉપર રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ એક સામાજિક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઇને સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે પાટણ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો સૌપ્રથમ તેમના છાત્રાલય ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ત્યાંથી તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.

કલેક્ટર કચેરી કેમ્પસમાં રાજપુત આગેવાનોએ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચારો અને દેખાવો કર્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પરશોત્તમ રૂપાલાએ રાજપૂત વિરમગનાઓનું અપમાન કર્યું છે ત્યારે રાજકોટ સમાજ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને હરાવશે તેની સાથે ગુજરાતની 26 બેઠકો અને ભારતમાં રહેતા 22 કરોડથી વધુ રાજપૂતો તમામ સીટો ઉપર પોતાની શક્તિનો પરચો બતાવશે.

આ પણ વાંચો: પરશોત્તમ રુપાલાના વિવાદ અંગે પૂછતા સીઆર પાટીલનું મૌન!

રજપૂત સમાજને કોઈ પક્ષ સાથે વાંધો નથી માત્ર ને માત્ર પરશોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ સામે અભદ્ર વાણી વિલાસનો ઉપયોગ કર્યો છે તેના સામે જ છે. રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી દ્વારા પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરાય તો સમગ્ર ગુજરાતના રાજપૂતો રાજકોટ ખાતે જઈ પરશોત્તમ રૂપાલાને હરાવશે તેની સાથે સાથે રાજ્યની 26 એ 26 લોકસભા સીટો ઉપર ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પરશોત્તમ રૂપાલાની રાજપૂત સમાજ વિરોધની અભદ્ર ટિપ્પણીને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે, ત્યારે પાર્ટી દ્વારા પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવેશે કે નહીં તે જોવું રહ્યું.