December 23, 2024

કાશી વિશ્વનાથના પૂજારીઓને ડોકટરો કરતાં વધુ મળશે પગાર, વીમા સાથે વિકઓફની પણ સુવિધા

Kashi Vishwanath: વારાણસી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી કર્મચારીઓ અને સેવાદારની નિમણૂક માટે નવા સેવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. ઘણા વર્ષો પછી બનાવેલ સેવા માર્ગદર્શિકા સમગ્ર દેશમાં દેવસ્થાન મંદિર ટ્રસ્ટ માટે ઉદાહરણરૂપ બની રહેશે. માહિતી અનુસાર વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારીને 90 હજાર રૂપિયા, કનિષ્ઠ પૂજારીને 80 હજાર રૂપિયા અને સહાયકને 65 હજાર રૂપિયાનું વેતન આપવામાં આવશે. પૂજારીનું આ વેતન ડૉક્ટર અને એન્જિનિયરના પગાર કરતાં વધુ છે.

વીમાની સુવિધા પણ મળશે
માહિતી અનુસાર મંદિરના પૂજારીઓને પણ વીમાની સુવિધા મળશે. પૂજારીઓને 10 હજાર રૂપિયા, 7.5 હજાર રૂપિયા અને 5 હજાર રૂપિયા વીમા માટે આપવામાં આવશે. વરિષ્ઠ પૂજારી અને પૂજારીને મુસાફરી ખર્ચ માટે 4,000 રૂપિયા આપવમાં આવશે, આ સિવાય જુનિયર પૂજારીને 2,000 રૂપિયા મળશે અને સાથે સાથે પૂજારીઓને પણ દર અઠવાડિયે એક અઠવાડિયાની રજા આપવામાં આવશે.

સંસ્કૃત વિદ્યાર્થીઓ માટે ભેટ
કાશી વિશ્વનાથ મંદિરે જિલ્લાની સંસ્કૃત શાળાઓના વિદ્યાર્થીઓને મફત વસ્ત્રો અને પુસ્તકો આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા શાળાઓને સંગીતનાં સાધનો આપવા તેમજ વિશ્વનાથ મંદિર ખાતે પ્રથમવાર સંસ્કૃત જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે.