November 14, 2024

કાપોદ્રા અપહરણ કેસમાં મોટો ખુલાસો, શખ્સે જાતે જ ઘડ્યું હતું ષડયંત્ર

અમિત રૂપાપરા, સુરત: સાયમંડ સિટી સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી SBI બેન્ક સામેથી 17મી ઓગસ્ટના રોજ લાખોની રોકડ રકમ લઇ બેંક બહાર નીકળેલા યુવકના અપહરણ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી કાઢયો છે. જોકે પોલીસ તપાસમાં અપહરણ કેસમાં નવો ફણગો ફૂટ્યો છે અને અપહરણ અન્ય કોઈ નહીં પરંતુ જાતે જ બે મિત્રોએ અન્ય સાગરીતોની મદદથી કરાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મહત્વનું છે કે વિદેશમાં રહેતા અંકિત અજુડીયા નામના યુવકે લાખોની રકમ ફોરેનથી યુવકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા વીડ્રો કરી પોતાની પાસે રાખવા જણાવતા આરોપીની દાનત આ રૂપિયા પર બગડી હતી. જોકે અપહરણનું તરકટ ઊભું કરનાર મુખ્ય આરોપી સહિત બે લોકો હાલ પોલીસ પકડથી દૂર છે. જે બંને આરોપીઓની શોધખોળ કરવા પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે.

સુરતના કાપોદ્રા પોલીસની પકડમાં ઉભેલા આ ત્રણ આરોપીઓએ 17 મી ઓગસ્ટ ના રોજ બપોરના એક વાગ્યા સમય દરમિયાન કાપોદ્રા ખાતે આવેલી એસબીઆઇ બેન્ક બહારથી 4.5 લાખની રોકડ રકમ લઈને નીકળેલા ચિરાગ પરમાર નામના યુવકનું અપહરણ કરી મોપેડ પર ફરાર થઈ ગયા હતા. અપહ્યત કરાયેલા ચિરાગ મોહન પરમાર ના મિત્ર ક્રિષ્ના છોટુ પાટીલ અને અંકિત અજુડીયાએ આ મામલે કાપોદ્રા પોલીસને જાણકારી આપી હતી. આ બંને અરજદારોએ કાપોદ્રા પોલીસને જાણકારી આપતા જણાવ્યું હતું કે, ચિરાગ મોહનભાઈ પરમાર સાથે કાપોદ્રા સ્થિત SBI એ તેઓ આવ્યા હતા. જ્યાં તેના મિત્ર ચિરાગ મોહન પરમાર બેંકમાંથી 4.5 લાખ રૂપિયા જેટલી રકમ વીડ્રો બેંક બહાર નીકળતા મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો બપોરના એક વાગ્યાના સમય દરમિયાન મોપેડ પર બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

ક્રિષ્ના છોટું પાટીલ અને અંકિત અજુડીયાની હકીકતના આધારે કાપોદ્રા પોલીસે બેંકની અંદર અને બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા ત્રણ ઇસમો કેદ થયા હતા. જે સીસીટીવી ફૂટેજમાં બેંકમાંથી લાખોની રોકડ રકમ લઈ નીકળેલા ચિરાગ પરમાર નું અપહરણ કરી ત્રણ ઈસમો ફરાર થતા નજરે પડ્યા હતા. જેથી કાપોદ્રા પોલીસે આ મામલે અપહરણ નો ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન કાપોદ્રા પોલીસને એવી માહિતી મળી હતી કે અપહરણ કરનાર ત્રણ આરોપીઓ સુરતના ચોક બજાર અને સગરામપુરા વિસ્તારમાં રહે છે. જેથી કાપોદ્રા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ હતી.જ્યાં કાપોદ્રા પોલીસ દ્વારા ચોક બજાર અને સગરામપુરા વિસ્તારમાંથી ત્રણ અપહરણકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. અપહરણ માં વપરાયેલી મોપેડ પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવી હતી. જે ત્રણે આરોપીઓની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા યુસા સલીમ શેખ, મોહમ્મદ સઈદ મોહમ્મદ ઇદરીશ મલેક અને મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ યુસુફ શેખના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.જે પૂછપરછ માં જાણવા મળ્યું કે ત્રણે આરોપીઓ ચપ્પલ નો છૂટક વેપાર કરે છે.આ અપહરણ અન્ય કોઈ નહીં પરંતુ ભોગ બનનાર ચિરાગ મોહન પરમાર દ્વારા હાલ ઝડપાયેલા આરોપીઓ સાથે મળી અપહરણનું એક તરકટ રચવામાં આવ્યું છે. ત્રણેય આરોપીઓની આ વાત સાંભળી કાપોદ્રા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વધુમાં આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, અપહરણ બાદ ચિરાગ પરમાર અને ત્રણે આરોપીઓ ચોક બજાર સ્થિત એ વન હોટલમાં ગયા હતા. જ્યાં ચિરાગ પરમાર જોડે અન્ય એક ઇસમ પણ હાજર હતો. જ્યાં ચિરાગ પરમાર પાસે રહેલી 4.5 લાખની રોકડ રકમ ના અલગ અલગ ભાગ પાડી તમામ લોકો છૂટા પડી ગયા હતા. ચિરાગ પરમારના અપહરણ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ દાખલ થયેલ હોવાની જાણકારી મળતા ચિરાગ પરમાર અને તેની સાથેનો અન્યાય એક ઇસમ પોતાના બંને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી મુંબઈ તરફ નાસી છૂટ્યા હતા. જે આરોપીઓની કબુલાતના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ફરાર ચિરાગ પરમાર સહિત બે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

કાપોદ્રા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા એક ટીમ મુંબઈ રવાના કરી છે.એટલું જ નહીં પરંતુ જે નાણા બેંકમાં વીડ્રો કરવામાં આવ્યા હતા ,તે નાણા અંકિત અજુડીયા ના જ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.જે રૂપિયા અંકિતના કહેવા પર ચિરાગ રૂપિયા વીડ્રો કરવા બેંકમાં ગયો હતો.લાખોની રકમ પર દાનત બગડતા પોતાના જ અપહરણ નો પ્લાન ઘડી નાખ્યો હતો.જ્યાં રૂપિયા પરત નહીં આપવા પડે તે માટે અપહરણ નું તરકટ રચી પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી. પરંતુ આરોપીઓ કેટલા પણ શાતીર કેમ ના હોય, પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી જ જતા હોય છે. જે આ ઘટનામાં જોવા મળ્યું છે.