December 23, 2024

Junagadh : જૂનાગઢમાં ધર્મજીવન વિદ્યાભવનનો શિલાન્યાસ, સંસ્કાર અને શિક્ષણના માધ્યમથી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુલ પરિસરમાં ધર્મજીવન વિદ્યા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યપાલે કહ્યું કે, સ્વામિનારાયણ ગુરુકુલના સંતો સંસ્કાર અને શિક્ષણના માધ્યમથી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું કાર્ય કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે, વિશ્વમાં વિદ્યાથી મોટી કોઈ સંપત્તિ નથી. ધનની ચોરી થઈ શકે છે, પરંતુ જ્ઞાન એવી સંપત્તિ છે કે તેને કોઈ ચોરી શકતું નથી.

રાજ્યપાલે જણાવ્યું કે, જ્ઞાન અન્ય લોકોને આપવાથી ઘટતું નથી, પરંતુ કહેવત પણ છે જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે અને સમાજનું કલ્યાણ થાય છે. રાજકોટ ગુરુકુલ સંસ્થાની શૈક્ષણિક સેવાઓનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે દેવપ્રસાદ સ્વામી અને જ્ઞાન સ્વરૂપ સ્વામી દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓની પ્રશંસા કરી હતી.

ગુરુકુળના સંતોએ રાજ્યપાલનું સન્માન કર્યું
તેમણે કહ્યું કે, આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સમન્વય કરીને જીવનની પરિપૂર્ણતા માટે સેવા કાર્ય કરવામાં આવે છે જેથી અન્યને લાભ થાય, દરેકને જ્ઞાન મળે અને કોઈ દુઃખી ન રહે. આ ભાવના સાથે સંતો સંસ્કારી સમાજના નિર્માણમાં સેવા આપી રહ્યા છે. રાજ્યપાલે શરીર અને આત્મા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો અને સૌના કલ્યાણ અને સેવા માટે સમર્પિત ભાવનાની આધ્યાત્મિકતાને રેખાંકિત કરી.
દીકરીઓ માટે શિક્ષણની જ્યોત પ્રગટાવવા માટે ગુરુકુલ સંસ્થાઓની પ્રશંસા કરતાં રાજ્યપાલે રાકેશ દુધાત અને ધીરુભાઈ કોટડિયાના કાર્યની પણ પ્રશંસા કરી હતી. કન્યા ગુરુકુલના ટ્રસ્ટી તરીકે રાજ્યપાલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુકુળના સંતોએ રાજ્યપાલનું સન્માન કર્યું હતું.