રાજકોટ બાદ જૂનાગઢના BJP ઉમેદવારનો વિરોધ, રઘુવંશી સમાજમાં આક્રોશ
રાજેશ ભજગોતર, ગીર-સોમનાથઃ જિલ્લાના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે. તે જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપિટ કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો સામે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘૂમ થયો છે. રઘુવંશી સમાજની માત્ર એક જ માગ છે કે, રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે તો કારમો પરાજય આપવા માટે આજે સમાજની મિટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ રણ ટંકાર કર્યો છે. રાજકોટ બાદ ગીર-સોમનાથ જિલ્લામાં પણ ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
વેરાવળના જાણીતા તબીબ ડો. અતુલ ચગ આપઘાત કેસમાં આરોપ લાગ્યો છે એવાં સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ફરીવાર ટિકિટ ફાળવતા રઘુવંશી સમાજમાં આક્રોશ ફેલાયો છે. જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનારા અને ડોક્ટરની સ્યૂસાઈડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે. જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજની માગ ઊઠી છે કે, ફરિયાદમાં સાંસદ રાજેશનું નામ છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા ઉપરાંત ગુજરાત ભાજપના 30 લાખથી વધુ રઘુવંશી પરિવારોને ઉંડો આઘાત લાગ્યો છે.
આ પણ વાંચોઃ વિવાદાસ્પદ નિવેદન મામલે પરશોત્તમ રૂપાલાને ચૂંટણીપંચની ક્લિનચીટ
વેરાવળમાં આજે રાત્રે રઘુવંશી સમાજની બેઠક મળી એ પહેલાં જ ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ બનાવનું સુખદ સમાધાન થયું છે, તેવું જણાવ્યું હતું. આ સમાધાનને રઘુવંશી સમાજ બંધ બારણે અને અમુક લોકોના હેતુ સાથેનું આર્થિક વહીવટ સાથેનું સમાધાન ગણાવી રહ્યા છે અને આ સમાધાન રઘુવંશી સમાજને સ્વીકાર્ય નથી. જો જૂનાગઢ લોકસભાની ટિકિટ રાજેશ ચુડાસમાને આપવામાં આવશે તો સમગ્ર રાજ્યભરનો રઘૂવંશી સમાજ તેનો આકરો વિરોધ કરશે. આ ઘટનામાં ઉમેદવાર રાજેશ ચુડાસમાની તરફેણમાં સોશિયલ મીડિયામાં જૂનાગઢના રઘુવીર સેનાના અગ્રણી ગિરીશ કોટેચા પર પણ વેરાવળ રઘુવંશી સમાજ ખૂબ જ આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે, ગિરીશ કોટેચાએ સાંસદ રાજેશ ચુડાસમાની વાહવાહી કરી છે તે દુઃખદ છે.
રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી ડોક્ટર અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, હું રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. કરોડો રૂપિયા લઈને પરત નહીં આપવાને કારણે ડોકટરે આપઘાત કરવો પડ્યો હોવાની વિગતો સામે આવી હતી. તેમ છતાં તેમને ટિકિટ ફાળવતા તેની સામે રઘુવંશી સમાજ દ્વારા રોષ વ્યકત કરી ઉમેદવારને બદલવાની માંગણી કરવામાં આવી છે.