May 19, 2024

જૂનાગઢની પહેલી નર્સિંગ સ્કૂલ, દરવર્ષે હજારો લોકોને સરકારી નોકરી મળે છે

junagadh mahatma gandhi nursing school

જૂનાગઢમાં આવેલી મહાત્મા ગાંધી નર્સિંગ સ્કૂલ

સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરની મહાત્મા ગાંધી નર્સિંગ સ્કૂલમાં લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકીંગ સેરેમની યોજાઈ હતી. નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ એક પ્રોટોકોલ હોય છે, જેમાં દર્દીઓની સેવા માટે હાથમાં દીવડાં સાથે શપથ લેવામાં આવે છે. તબીબી જગતમાં ડોક્ટરની ડિગ્રી મળી ગયા પછી સેવાના શપથ લેવાય છે, જ્યારે નર્સિંગમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવતાની સાથે પહેલાં શપથ લેવાય છે બાદમાં ડિગ્રી મળે છે.

નર્સિંગ સ્ટાફની લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકીંગ સેરેમની ફ્લોરેન્સ નાઇટિંગલને સમર્પિત છે. લેડી વિથ લેમ્પથી જાણીતા ફ્લોરેન્સ નાઈટીંગલનું તબીબી જગતમાં સેવા માટે મહત્વનું યોગદાન રહ્યું છે. વ્યવસાયથી ચાર્ટડ એકાઉન્ટન્ટ પરંતુ પોતાની કોઠાસૂઝથી યુદ્ધમાં ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર કરતા હતા. રાત્રીના સમયે હાથમાં ફાનસ લઈને તેઓ દર્દીઓની સેવા કરવા જતા હતા. નર્સિંગ સેવાના આદ્યસ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલે જીવનભર દર્દીઓની સેવા કરી અને એટલે જ જ્યારે નર્સિંગ સેવાની વાત આવે ત્યારે ફ્લોરેન્સ નાઇટિંગલને યાદ કરવામાં આવે છે અને તેથી જ હાથમાં ફાનસ અને દીવડાં સાથે વિદ્યાર્થીઓ સેવાના શપથ લે છે.

જૂનાગઢના ભૂતપૂર્વ સાંસદ સ્વ. ભાવનાબેન ચિખલીયાએ મહિલાઓને રોજગારી મળે તે હેતુ નર્સિંગ સ્કૂલની શરૂઆત કરી હતી. જૂનાગઢમાં નાના-મોટા 200 દવાખાનામાં નર્સિંગ સ્ટાફની જરૂર રહે છે અને યુવાનો નર્સિંગ કોર્ષ કરીને રોજગારી મેળવે છે. જૂનાગઢની પ્રથમ નર્સિંગ સ્કૂલ એટલે મહાત્મા ગાંધી નર્સિંગ સ્કૂલ કે જેનું સ્વપ્ન ભૂતપૂર્વ સાંસદ ભાવનાબેન ચિખલીયાએ મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓ પગભર થાય તે હેતુથી જોયું હતું. તેને ચરિતાર્થ કર્યું તેમના પતિ જાણીતા તબીબ ડો. દેવરાજ ચીખલીયાએ અને આજે આ સ્કૂલમાં અભ્યાસ કરીને બે હજાર લોકોને નર્સિંગમાં સરકારી નોકરી મળી છે.

વર્ષ 2011માં જૂનાગઢમાં મહાત્મા ગાંધી નર્સિંગ સ્કૂલની સ્થાપના થઈ હતી. આ જૂનાગઢની પ્રથમ નર્સિંગ સ્કૂલ હતી. આ નર્સિંગ સ્કૂલની શરૂઆત એક માત્ર ડિગ્રી કોર્ષથી થઈ હતી અને ત્યારબાદ ક્રમશઃ એકપછી એક ઉત્તરોત્તર કોર્ષમાં વધારો થતો ગયો અને આજે અહીં મહત્વના ચાર નર્સિંગ કોર્સ ભણાવવા માં આવે છે.

કયા કયા કોર્ષ ચાલે છે?

  • એ.એન.એમ. – ઓક્ઝીલરી નર્સ એન્ડ મિડવાઈફ (ડિપ્લોમા) – બે વર્ષ – ફક્ત મહિલાઓ માટે
  • જી. એન. એમ. – જનરલ નર્સ એન્ડ મિડવાઈફરી (ડિપ્લોમા) – ત્રણ વર્ષ – મહિલા અને પુરૂષ બન્ને માટે
  • પોસ્ટ બેઝીક બી.એસ.સી. નર્સિંગ – (ડીગ્રી) – બે વર્ષ
  • બી.એસ.સી. નર્સિંગ – ચાર વર્ષ

જૂનાગઢ શહેરમાં જ સિવિલ હોસ્પિટલ સિવાયની ખાનગી મોટી મલ્ટી સ્પેશ્યાલીટી સુવિધા સાથે 5 મોટી હોસ્પિટલ છે અને તે સિવાય નાના-મોટા 200 જેટલા ક્લિનિક છે કે જ્યાં દર્દીઓને દાખલ કરી શકાય તેવી સુવિધા છે. જૂનાગઢમાં ડોક્ટરની સંખ્યા 400 છે, તેમાંથી 200 જેટલા ડોક્ટર પાસે દર્દીને દાખલ કરી શકાય તેવી સુવિધા છે. આ તમામ હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફની આવશ્યકતા રહે છે અને મહાત્મા ગાંધી નર્સિંગ સ્કૂલ તબીબ-નર્સની જરૂરિયાત પૂરી પાડે છે.

નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને સરકારી અને ખાનગી દવાખાનામાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી મળે છે, રોજગારી મળે છે, આ નર્સિંગ સ્ટાફને પોતાની આવડત અનુસાર પગાર ધોરણ હોય છે. માસિક 15 હજાર રૂપિયા વેતનથી શરૂ કરીને આવડત અને અનુભવ મુજબ પગારધોરણ હોય છે. નર્સિંગ એક એવો વ્યવસાય છે કે, તેમાં નિવૃત્તિ નથી હોતી મતલબ કે આજીવન આજીવિકા આપતો વ્યવસાય છે.

નર્સિંગ સ્ટાફ ડોક્ટરની કરોડરજ્જુ સમાન છે. નર્સિંગ સ્ટાફ વગર ડોક્ટરની સારવાર અધૂરી રહેતી હોય છે. નર્સિંગ સ્ટાફ ડોક્ટરના હાથ પગ હોય છે. દર્દીઓની સારવારમાં તેનો મહત્વનો ફાળો હોય છે. દવા, ઇન્જેક્શન, બાટલા ચડાવવા, ડ્રેસિંગ, સાર-સંભાળ સહિતની કામગીરી નર્સિંગ સ્ટાફ કરે છે. દર્દીઓ સાથે માનવતાપૂર્વક, સેવાભાવની લાગણી સાથે પરિવાર જેવી ભાવના રાખીને કામ કરે છે.