જૂનાગઢ જીઆઈડીસી-1માં પ્રાથમિક સુવિધાનો અભાવ, મનપાના દાવા પોકળ
સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસી-1માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. નાના ઉદ્યોગકારો વેરો ભરે છે, છતાં સુવિધા મળતી નથી. તેથી વેરા વસૂલાત સામે સુવિધા આપવા ઉદ્યોગકારો માગ કરી રહ્યા છે. આ તરફ મનપા ઔદ્યોગિક વિસ્તારમાં સુવિધા આપવા કટીબદ્ધ છે, પરંતુ જીઆઈડીસીમાં મનપાના સફાઈના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળે છે. જો કે, મનપા દ્વારા આશ્વાસન અપાયું છે કે, વહેલાસર જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાના કામો શરૂ કરવામાં આવશે.
જૂનાગઢ શહેર આમ તો મહાનગર કહેવાય છે, પરંતુ અહીંયા ખાસ કોઈ મોટા ઔદ્યોગિક એકમો નથી. પરંતુ નાના નાના અનેક લઘુ ઉદ્યોગો આવેલા છે. જૂનાગઢ જીઆઈડીસી 1ની વાત કરીએ તો અહીંયા નાના નાના 70 જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ એટલે કે પલ્વરાઈઝીંગ, કેમિકલ્સ, ધર વપરાશની કોસ્મેટીક ચીજવસ્તુઓ, સ્પીકર બોક્ષ, બરફ, ઓટોમોબાઈલ્સ, પ્લાસ્ટીક પેકેજીંગ વગેરે બનાવવાના નાના ઉદ્યોગોના યુનિટ આવેલા છે. આ નાના ઉદ્યોગકારો નિયમિત ટેક્સ ભરે છે, પરંતુ સુવિધાઓ અંગે જવાબદાર તંત્ર દરકાર કરતું નથી. ત્યારે નાના ઉદ્યોગકારોને વેરા સામે સુવિધા ઉપલબ્ધ થાય તેવી માગ કરી રહ્યા છે.
જૂનાગઢમાં વર્ષ 2004માં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી એટલે જી.આઈ.ડી.સી. 1ની સેવાઓ જીઆઈડીસી દ્વારા મનપાને સુપ્રત કરવામાં આવી હતી. તે સમયે જે સ્થિતિમાં જીઆઈડીસીએ મનપાને સોંપણી કરી તે જ સ્થિતિ બે દાયકા પછી પણ જેમ ની તેમ છે. મનપાને વેરો ભરવાની સામે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જી.આઈ.ડી.સી. 1 વિસ્તારમાં રસ્તા અને ગટરના પ્રશ્નો છે. સફાઈ નિયમિત થતી નથી, રોડ નવા બનતા નથી અને પાણી મળતું નથી.
બીજી તરફ મનપાએ ઔદ્યોગિક વિસ્તારમાં સવલતો અંગે કટિબદ્ધતા દર્શાવી અને જી.આઈ.ડી.સી-1માં નિયમિત સફાઈ થતી હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં સફાઈ અભિયાન અંતર્ગત પણ મોટાપાયે સફાઈ કરવામાં આવી હોવાનો મનપાનો દાવો છે. પરંતુ જીઆઈડીસીમાં જોવા મળતા દૃશ્યો કાંઈક જુદું જ કહે છે. સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં જાણે સફાઈ થતી જ ન હોય તેવા દૃશ્યો નજરે પડે છે અને મનપાનો સફાઈનો દાવો પોકળ સાબિત થાય છે. જ્યારે તમામ રસ્તા બિસ્માર હાલતમાં છે તેને વહેલાસર રીપેર કરવાનું મનપા આશ્વાસન આપી રહ્યું છે.
એક તરફ રાજ્ય અને કેન્દ્રની સરકાર લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહી છે. લોકોને નવા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા જીઆઈડીસી-1માં સુવિધાઓ પૂરી પાડવામાં કચાશ દાખવી રહી છે. ઉદ્યોગકારોએ આ અંગે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ કામ થતા નથી ત્યારે હવે જૂનાગઢના લઘુ ઉધોગો માટે સરકાર ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉધોગકારો માંગ કરી રહ્યા છે.