May 20, 2024

જૂનાગઢની કેસર કેરીને આબોહવાને કારણે માઠી અસર, ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા

JUNAGADH kesar keri bad atmoshphere reduced production

આંબા પર ફાલ ઓછો આવ્યો હોવાને કારણે ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા

સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરની કેસર કેરી જગ વિખ્યાત છે, કેરીની અનેક જાત છે. પરંતુ કેસર કેરીનો સ્વાદ જ નિરાળો છે અને લોકો એટલા માટે જ કેરીની રાહ જોતા હોય છે. ત્યારે હાલ તો કેરીને લઈને એક માઠાં સમાચાર આવ્યા છે. કારણ કે, કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે.

સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આંબા પર ફ્લાવરીંગ થાય છે. કોઈક જગ્યાએ જાન્યુઆરીમાં પણ ફ્લાવરીંગ થાય છે, પરંતુ ચાલુ વર્ષે 40થી 45 દિવસ મોડા ફ્લાવરીંગ થયું છે. વળી ચાલુ વર્ષે વાતાવરણ પણ કેરી માટે પ્રતિકૂળ રહ્યું છે. કમોસમી વરસાદ, ઝાકળ, વાદળછાયું વાતાવરણ વગેરે પરિબળોની આંબા પર અસર પડી છે.

શિયાળામાં જોઈએ તેવી ઠંડી ન હતી વળી દિવસના ભાગે વધુ ગરમી અને રાતના ભાગે વધુ ઠંડી આમ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વચ્ચે મોટો તફાવત રહેતો હતો જેથી ફ્લાવરીંગ મોડું થયું સાથે તેનું ખરણ પણ વધુ થયું હતું. આમ આંબા પર આવેલા ફ્લાવરીંગ અને ત્યારબાદની તેની ફળધારણની પ્રક્રિયા પર વાતાવરણની સીધી અસર પડી જેને લઈને કેરીના ઉત્પાદન પર માઠી અસર પડે તેવી સંભાવના છે. જો કે, હવે દિવસ અને રાતનું તાપમાન સામાન્ય બન્યું છે જે હજુ આગામી 15થી 20 દિવસ સુધી જળવાઈ રહે તો કેરીનું ઉત્પાદન મળી શકે તેવી પણ આશા સેવાઈ રહી છે.

કેસર કેરીનું ઉત્પાદન જૂનાગઢ સહિતના આસપાસના જિલ્લામાં થાય છે. કારણ કે, સૌરાષ્ટ્રની આબોહવા કેસર કેરી માટે અનૂકુળ છે. ગત વર્ષે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કુલ 30,236 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું હતું.

વર્ષ 2023માં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આંબાનું વાવેતર

  • જૂનાગઢ – 8700 હેક્ટર
  • પોરબંદર – 431 હેક્ટર
  • અમરેલી – 6804 હેક્ટર
  • ગીર-સોમનાથ – 14301 હેક્ટર

ગત વર્ષે સાનૂકુળ વાતાવરણના કારણે કેરીનું સારૂં એવું ઉત્પાદન મળ્યું હતું. ફ્લાવરીંગ સમયસર તો થયું જ હતું. સાથોસાથ મોડે સુધી એટલે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ ફ્લાવરીંગ રહ્યું તેના કારણે કેરીનું સારૂ એવું ઉત્પાદન મળ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણ વિપરિત છે અને અત્યાર સુધીમાં આંબા પર કેરીના વિકાસમાં વાતાવરણ એ બાધા ઉભી કરી છે, તેમ છતાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણ સ્થિર બન્યું છે અને આગામી સમયમાં પણ વાતાવરણમાં કોઈ ફેરફાર ન થાય તો ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન પૂરતું મળી રહે તેવી પણ અપેક્ષા સેવાઈ રહી છે.