November 16, 2024

વિરોધ વચ્ચે જુનાગઢ વન વિભાગે કરી પ્રેસ કોન્ફરન્સ, ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે આપી જાણકારી

સાગર ઠાકર, જુનાગઢ: ઈકો સેન્સેટીવ ઝોન એટલેકે પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ હેતુ ઈકો સેન્સેટીવ ઝોન લાગુ કરવામાં આવે છે. વન વિભાગની ગીર, પાણીયા અને મીતીયાળા રેન્જમાં ઈકો સેન્સેટીવ ઝોન લાગુ કરવાને લઈને હાલ વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વન વિભાગ ખેડૂતોને કોઈ રોકટોક નહીં હોવાનું જણાવે છે.

ખેડૂતોને ખેતી સંબંધિત કોઈપણ પ્રકારના કામ માટે કોઈ પ્રતિબંધ નથી, વન વિભાગ દ્વારા ખેડૂતોને સમજાવવા અને ગેરસમજ દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ખેડૂતો સરળતાથી સમજી શકે તે માટે ગુજરાતી ભાષામાં ચોપાનિયાં અને સોશિયલ મીડિયામાં રીલ્સ ના માધ્યમથી ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે ગેરસમજ દૂર કરવાનો વન વિભાગ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે, એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ઈકો સેન્સેટીવ ઝોનમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો…

1. પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
કોમર્શિયલ માઈનીંગ
સ્ટોન ક્રશર
મોટા ઉદ્યોગો
પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગ
હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ
સોલીડ વેસ્ટ ડિસ્પોઝલ

2. નિયમિત પ્રવૃત્તિઓ ( જેમાં અગાઉના નિયમાનુસાર મંજૂરી સાથે કરી શકાય)
હોટેલ / રીસોર્ટ્સ
સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ
વૃક્ષ છેદન

3. પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ
વરસાદી પાણીનો સંગ્રહ
પ્રાકૃતિક ખેતી
ગ્રીન ટેકનોલોજી
કોટેજ ઈન્ડસ્ટ્રીઝ
રીન્યુઅલ એનર્જી
એગ્રો ફોરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ
હોર્ટીકલ્ચર
ઈકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ
સ્કીલ ડેવલપમેન્ટ
પર્યાવરણ જાગૃતતા

આમ ઈકો સેન્સેટીવ ઝોન અંતર્ગત જે પ્રતિબંધ પ્રવૃત્તિઓ, નિયમિત પ્રવૃત્તિઓ અને પ્રોત્સાહીત પ્રવૃત્તિઓ અંગેની માહિતી નો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે વન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે, સાસણ ગીર સિંહ સદન ખાતે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ આ માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવા વન વિભાગના સ્ટાફ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.