‘BJP રિચાર્જ યોજના’ને નામે છેતરપિંડી, જાણો નવી મોડસ ઓપરેન્ડી
સંજય વાઘેલા, જામનગરઃ સોશિયલ મીડિયાનો વ્યાપ વધતાં જ હવે દિવસેને દિવસે લેભાગુ તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ હોવા છતાં તમને વિવિધતા સ્કીમો જણાવી તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હોય છે. ન્યૂડ વીડિયો કોલ હોય કે પછી ઓટીપી મોકલી ખાતામાંથી પૈસા ઉપાડવા. હવે સાયબર ક્રાઇમમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. છેલ્લા કેટલાક સમયેથી મોબાઈલમાં લિંક મોકલી તેમાં ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ લિંક પર ક્લિક કર્યા પછી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે. જામનગર સાયબર ક્રાઇમ દ્વારા લોકોને જાગૃતિ અંગેમાં મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં લોકોને સાવચેત રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે.
શું PM મોદી 3 મહિનાનું રિચાર્જ કરી આપે છે?
હાલમાં જ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને જાણ કરવામાં આવી રહી છે કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યું છે કે, BJP દ્વારા ફ્રી રિચાર્જ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીયોને 3 મહિનાનું રિચાર્જ કરાવી આપી રહ્યા છે. 2024ની ચૂંટણીમાં ભાજપને વધુ મત મળે એ માટે આ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024 છે. આવા મેસેજ સાથે લોકોને એક લિંક પણ મોકલવામાં આવી રહી છે આ યોજનાનો લાભ લેવા આ લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અજાણ્યા મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરવું નહીં
સાયબર ક્રાઇમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, લોકોએ આવી અજાણી લિંક પર ક્લિક કરવું નથી. એટલું જ નહીં, BJP દ્વારા આવી એકપણ રિચાર્જ યોજના શરુ કરવામાં આવી નથી. આવી અજાણી લિંક પર ક્લિક કરવાથી તમારી સાથે સાયબર છેતરપિંડી થઈ શકે છે.