May 4, 2024

લોરેન્સ બિશ્નોઈના ભાઈએ લીધી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી

Salman Khan House Firing: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. લોરેન્સનો ભાઈ અનમોલ અમેરિકામાં હાજર છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. એમ પણ કહ્યું કે સલમાન અમે તમને ટ્રેલર બતાવવા માટે જ આ હુમલો કર્યો છે. આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે.

નોંધનીય છે કે, રવિવારે સવારે મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. આ પછી પોલીસે તેમના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા કડક કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 5 વાગે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી અને ભાગી ગયા હતા. સલમાનનું ઘર આ એપાર્ટમેન્ટમાં છે. પોલીસ હાલમાં ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે.

‘અમે માત્ર ટ્રેલર બતાવ્યું, હવે ઘર પર ગોળી નહીં ચાલે’
અનમોલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, “ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત. અમને શાંતિ જોઈએ છે. જો જુલમ સામેનો નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન અમે તમને ફક્ત ટ્રેલન બતાવવા માટે આ કર્યું છે, જેથી તમે અમારી શક્તિને સમજી શકો અને અમારી શક્તિને વધુ ન પારખો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી, ગોળીઓ ખાલી ઘર પર ચલાવવામાં નહીં આવે.’ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘તમે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માન્યા છે, પરંતુ અમને વધારે બોલવાની આદત નથી. લોરેન્સ બિશ્નોઈ ગ્રૂપ, ગોલ્ડી બરાડ ગ્રુપ, કાલા જાથેડી ગ્રુપ.’

ગયા વર્ષે સલમાનને ધમકી મળી હતી
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે માર્ચમાં સલમાનની ઓફિસ પર એક ઈમેલ આવ્યો હતો જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ મામલામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને અન્ય વિરુદ્ધ FIR નોંધી હતી. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે સલમાને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ન્યૂઝ ચેનલને આપેલો ઈન્ટરવ્યુ જોયો જ હશે અને જો તેણે નથી જોયો તો તેણે જોવો જોઈએ. જો ખાન આ કેસ (હિરણ કેસ) બંધ કરવા માંગે છે, તો તેણે ગોલ્ડીભાઈ સાથે રૂબરૂ વાત કરવી જોઈએ.