રમઝાન પહેલા ‘અલ-અક્સા મસ્જિદ’ને લઈને ઈઝરાયેલનો મોટો નિર્ણય
Al-Aqsa Mosque Ramadan: અલ-અક્સા મસ્જિદ (Al-Aqsa Mosque) મુસ્લિમ સમુદાયમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મુસ્લિમ સમુદાય અલ-અક્સા મસ્જિદને મક્કા અને મદીના પછી તેમનું ત્રીજું પવિત્ર સ્થળ માને છે. આ સ્થળ માત્ર મુસ્લિમોમાં જ નહીં પણ યહૂદીઓ અને ખ્રિસ્તીઓમાં પણ આગવું સ્થાન ધરાવે છે. યહૂદી લોકો આ જગ્યાને ‘ટેમ્પલ માઉન્ટ’ કહે છે. ખ્રિસ્તી ધર્મના લોકોનું કહેવું છે કે જ્યાં અલ અક્સા પરિસર આવેલું છે ત્યાં ઈસુ ખ્રિસ્તે તેમનો ઉપદેશ આપ્યો હતો. તેને આ શહેરમાં જ સૂલી પર ચડાવવામાં આવ્યા હતા અને તેનો પુનર્જન્મ પણ અહીં થયો હતો.
યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે જગ્યાને લઈને ઘણો વિવાદ સર્જાયો
નોંધનીય છે કે આ જગ્યાને લઇને ત્રણેય સમુદાયો વચ્ચે હંમેશા દુશ્મનાવટ જોવા મળે છે. ખાસ કરીને યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે જગ્યાને લઈને ઘણો વિવાદ સર્જાયો છે. હાલમાં આ સ્થળ ઇઝરાયેલમાં આવેલું છે, જેના કારણે મોટાભાગે યહૂદીઓનું વર્ચસ્વ છે. હાલમાં આ સ્થળે ઇઝરાયેલના કાયદા-કાનૂન લાગુ પડે છે. જો કે, રમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ધ્યાનમાં રાખીને નમ્રતા દાખવવામાં આવે છે, પરંતુ આ વખતે મુસ્લિમો માટે કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે.
રમઝાન મહિનામાં મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ
રામઝાન મહિનામાં આ સ્થળની સ્થિતિ બદલાઇ જાય છે. ઇઝરાયેલ સરકારે આગામી રમઝાન મહિનામાં મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેણે તેની પાછળનું કારણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ગણાવ્યું હતું. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, આ વખતે પેલેસ્ટિનિયનો મસ્જિદમાં પ્રવેશ કરી શકશે તેવી ઘણી ઓછી આશા છે. જોકે, અન્ય મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ મળી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોઇ પણ વ્યક્તિ વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લે તે માટે કડક દેખરેખ રાખવામાં આવશે. બીજી બાજુ જો કોઈ વ્યક્તિ પેલેસ્ટાઈનના ધ્વજ સાથે જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.