May 17, 2024

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણયઃ AAPના કુલદીપ બનશે ચંદીગઢના મેયર

Chandigarh Mayor SC Order: સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણી પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીમાં અમાન્ય જાહેર કરાયેલા 8 બેલેટ પેપર માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા. બેન્ચે કહ્યું કે અરજદારને 12 વોટ મળ્યા છે. આઠ મત ખોટી રીતે અમાન્ય જાહેર કરાયા હતા. બાદમાં આ આઠ મત અરજદારની તરફેણમાં મળ્યા હતા. આઠ મત ઉમેર્યા બાદ અરજદાર પાસે 20 મત થયા હતા, જેથી AAP કાઉન્સિલર અને અરજદાર કુલદીપ કુમારને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરવાનો પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહનો નિર્ણય અમાન્ય છે.

વધુમાં બેન્ચે કહ્યું કે મેયરની ચૂંટણીની પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઓફિસરે પહેલા ગેરકાયદેસર ફેરફારો કર્યા હતા. ત્યારબાદ તેણે 19 ફેબ્રુઆરીએ આ કોર્ટ સમક્ષ ખોટું બોલ્યા હતા. નોંધનીય છે કે અગાઉ 30 જાન્યુઆરીએ થયેલા મતદાનના બેલેટ પેપરની તપાસ કરી હતી.

સત્યની જીત થઈ છે: માન
પંજાબના સીએમ ભગવંત માને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. માનએ કહ્યું કે આખરે સત્યનો જ વિજય થયો છે… અમે ચંદીગઢમાં મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ… CJIએ પ્રિસાઇડિંગ ઓફિસરે નકારી કાઢેલા 8 વોટને યથાવત રાખ્યા અને AAPના કુલદીપ કુમારને મેયર જાહેર કર્યાં છે. લોકશાહીની આ મહાન જીત પર ચંદીગઢની જનતાને ખૂબ ખૂબ અભિનંદન… બીજી બાજુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. ચંદીગઢ કોંગ્રેસે પણ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. આ નિર્ણયને ઐતિહાસિક અને લોકશાહીને બચાવનાર ગણાવ્યો હતો.

મેયરની ચૂંટણીમાં અત્યાર સુધી શું થયું?

  • જાન્યુઆરી 10: યુટી વહીવટીતંત્રે 18 જાન્યુઆરીએ મેયરની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું.
  • 15 જાન્યુઆરી: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપને હરાવવા માટે ગઠબંધનની જાહેરાત કરી.
  • જાન્યુઆરી 16: AAP અને કોંગ્રેસ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવા પહોંચ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં ઝપાઝપી થઈ. મધ્યરાત્રિએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચંદીગઢ કોંગ્રેસના વડા એચએસ લકીએ કાઉન્સિલરની ગેરકાયદેસર અટકાયતનો આરોપ લગાવતી અરજી પર સુનાવણી કરી અને હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો હતો.
  • જાન્યુઆરી 17: હાઈકોર્ટે અરજી ફગાવી દીધી કારણ કે યુટીએ દાવો કર્યો હતો કે કાઉન્સિલર ગેરકાયદેસર અટકાયતમાં નથી અને તેમની માંગ પર સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. જોકે, કોર્ટે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
  • જાન્યુઆરી 18: AAP અને કોંગ્રેસના કાઉન્સિલરો જ્યારે મેયરની ચૂંટણી માટે પહોંચ્યા ત્યારે તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે વિરોધ થયો હતો. પ્રિસાઇડિંગ ઓફિસરની ખરાબ તબિયતને કારણે ડીસીએ મતદાન 6 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખ્યું હતું. AAPએ 24 કલાકની અંદર ચૂંટણીની માંગ સાથે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
  • 23 જાન્યુઆરી: હાઈકોર્ટે યુટીને 24 કલાકની અંદર કોર્ટમાં સંભવિત ચૂંટણીની તારીખ રજૂ કરવા કહ્યું, નહીં તો અરજીનો યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવશે.
  • 24 જાન્યુઆરી: હાઈકોર્ટે યુટી પ્રશાસનને ફટકાર લગાવી અને મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે યોજવાનો આદેશ આપ્યો.
  • 30 જાન્યુઆરી: મેયરની ચૂંટણીમાં ભાજપે ગઠબંધનને હરાવ્યું હતું. મનોજ સોનકર મેયર બન્યા હતાં. AAPએ પ્રિસાઇડિંગ ઓફિસર પર આઠ મતોને અમાન્ય જાહેર કરવાનો આરોપ લગાવ્યો અને હાઇકોર્ટમાં ગયા હતા.
  • 31 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો. હાલ કોઈ તાત્કાલિક રાહત નથી. કોર્ટે ચંદીગઢ પ્રશાસનને નોટિસ પાઠવીને ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો હતો.
  • 5 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગઈ. SCએ પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહની ટીકા કરી અને કહ્યું કે તે સ્પષ્ટ છે કે તેણે બેલેટ પેપરને બગાડ્યા છે. આ લોકશાહીની મજાક છે અને તે લોકશાહીની હત્યા છે. આ મામલે કાર્યવાહી થવી જોઈએ. જેની સુનાવણી 19 ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી હતી.
  • ફેબ્રુઆરી 18: સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા મનોજ સોનકરે મેયર પદેથી રાજીનામું આપ્યું. સાથે સાથે આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા.
  • 19 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે અનિલ મસીહને ફટકાર લગાવી. બેલેટ પેપર માટે બોલાવ્યા અને ફરીથી સુનાવણી 20મી ફેબ્રુઆરીએ નક્કી કરી.