December 23, 2024

ઇઝરાયેલનો ટેન્કો દ્વારા ફરી હુમલો, 24 કલાકમાં 133 પેલેસ્ટાઇનના મોત

જેરૂસલેમ: યુએસ, ઇઝરાયેલ, ઇજિપ્ત અને કતારના વાટાઘાટકારોમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના ઠરાવ નિષ્ફળ ગયા છે. બીજી બાજુ ઇઝરાયેલની ટેન્કોએ સોમવારે રફાહના પૂર્વ વિસ્તાર પર ગોળીબાર કર્યો હતો જેમાં છેલ્લા 24 કલાકમાં 133 પેલેસ્ટિનિયનના મોત થયા હતા. રફાહ શહેર પર હુમલા બાદ દુનિયાભરમાંથી ઈઝરાયેલ પર દબાણ આવવાનું શરૂ થઈ ગયું છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે માગણી કરી છે કે ઇઝરાયલના સહયોગી દેશો ખાસ કરીને અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રોની સપ્લાય બંધ કરે. વધુમાં કહ્યું કે ગાઝામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. ગયા અઠવાડિયે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચરમસીમાએ પહોંચી ગઈ છે. બાઇડેનના નિવેદનને કારણે બોરેલે કહ્યું કે જો તમને લાગે છે કે લોકોની હત્યા થઈ રહી છે તો તમારે ઓછા પ્રમાણમાં શસ્ત્રો આપવા જોઈએ જેથી ઘણા લોકોને મરતા બચાવી શકાય. નોંધનીય છે કે ઇજિપ્તની રાજધાની કાહિરામાં અમેરિકા, ઇજિપ્ત, ઇઝરાયેલ અને કતારના વરિષ્ઠ અધિકારીઓએ બંધકોની મુક્તિ અને કાયમી યુદ્ધવિરામ માટે ત્રણ તબક્કાની રૂપરેખા તૈયાર કરવા મંગળવારે વાતચીત શરૂ કરી હતી. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીના વડા ડેવિડ બર્ની પણ આ મંત્રણામાં સામેલ થયા હતા. પરંતુ આ વાતચીતમાં કોઈપણ મુદ્દા પર સહમતિ સધાઈ શકી નથી.

છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ડઝનેક પેલેસ્ટિનિયનના મોત થયા
મંગળવારે ઇઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગાઝામાં અથડામણ દરમિયાન ડઝનેક પેલેસ્ટિનિયનોને મારી નાખ્યા છે, જેમાં રફાહની પાસે આવેલા શહેર ખાન યુનિસના 30 લોકોનો સમાવેશ થાય છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હુમલામાં 16 પેલેસ્ટિનિયનના મૃત્યુ થયા હતા.

ઇઝરાયેલી ટેન્ક પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધી રહી છે
માહિતી અનુસાર ઇઝરાયેલી ટેન્ક પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધી રહી છે અને નાગરિકો પર સતત ગોળીબાર કરી રહી છે. જોકે, સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે હજુ સુધી અહીં જમીની કાર્યવાહી શરૂ કરી નથી. ઇઝરાયલી દળોએ રફાહ શરણાર્થી શિબિરોમાં આશરો લઈ રહેલા લોકોને ત્યાંથી જવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ઈઝરાયેલની ટેન્ક પૂર્વી રફાહમાં સતત ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે પેલેસ્ટાઈનના નાગરિકોમાં તણાવ અને ભયનો માહોલ સર્જાયો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 7 ઓક્ટોબરથી ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 28,473 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 68,146 લોકો ઘાયલ થયા છે.  UNRWAના પ્રવક્તા જુલિયટ તૌમાએ કહ્યું કે, ગાઝામાં શરણાર્થીઓ માટે હવે કોઈ સુરક્ષિત જગ્યા નથી. બીજી બાજુ ઈઝરાયેલે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલામાં UNRWA ના લોકો પણ સામેલ હતા. ઇઝરાયલે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજીસ (UNRWA) પર પ્રતિબંધની માંગ કરી હતી. ઈઝરાયેલના આરોપો બાદ ઘણા દેશોએ UNRWAનું ફંડિંગ રોકવાની જાહેરાત કરી હતી.

જેનિનમાં હમાસ કમાન્ડરની ધરપકડ
ઇઝરાયલી સુરક્ષા દળોએ જેનિનમાં હમાસના ટોચના કમાન્ડરની ધરપકડ કરી છે. IDFએ મંગળવારે માહિતી આપી હતી કે પકડાયેલ કમાન્ડરની ઓળખ ઓમર ફાયદ તરીકે કરવામાં આવી છે, જે સામરિયામાં ઇઝરાયલી દળો સામે ગોળીબારના અનેક હુમલાઓમાં સામેલ હતો અને વધુ કેટલાક હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ફાયદની ધરપકડ દરમિયાન બે સૈનિકો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર ફાયદને પૂછપરછ માટે સુરક્ષા એજન્સી શિન બેટને સોંપવામાં આવ્યો છે.