January 24, 2025

ગાઝામાં ઇઝરાયેલી સેનાને હમાસની ટનલ મળી, એર સ્ટ્રાઇકમાં 31 લોકોનાં મોત

Israel-Hamas war: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલી સૈના કહ્યું છે કે તેઓએ યુએનઆરડબ્લ્યુએ (યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજીસ) સ્કૂલની નીચે એક ટનલ શોધી કાઢી છે. બીજી બાજુ શનિવારે દક્ષિણ ગાઝા શહેરના રફાહમાં ઇઝરાયેલે એર સ્ટ્રાઇક કરી હતી. આ હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 31 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનોની સંખ્યા 27,840ને વટાવી ગઈ છે. ગાઝાના ચોથા ભાગના નાગરિકોઓ ભૂખમરાથી મરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ઈઝરાયેલી સેનાના હુમલાથી ગાઝાની 23 લાખ વસ્તીમાંથી અડધાથી વધુ લોકો ઈજિપ્તની સરહદ તરફ ધકેલાઈ ગયા છે. કેટલાક લોકો પેલેસ્ટિનિયન પ્રદેશો છોડી શકતા નથી. ઘણા લોકો અસ્થાયી ટેન્ટ કેમ્પ અથવા યુએન દ્વારા સંચાલિત આશ્રયસ્થાનોમાં રહે છે.

સેંકડો મીટર લાંબી ટનલ શોધી
સેનાનું કહેવું છે કે ઈઝરાયેલની સેનાએ UNRWAના ગાઝા હેડક્વાર્ટરની નીચે સેંકડો મીટર લાંબી સુરંગ શોધી કાઢી છે. સેનાના એન્જિનિયરોએ વિદેશી સમાચારના કેટલાક પત્રકારોને સુરંગ પાસે લઈ જઈ તપાસ શરૂ કરી હતી. માહિતી અનુસાર ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઇનને તેના લોકોને બહાર જવા માટે કહ્યું હતું અને તેના થોડા કલાકો પછી ઇઝરાયેલે શનિવારે દક્ષિણ ગાઝા શહેર રફાહ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 31 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં ત્રીજા ભાગના બાળકો હતા. એસોસિએટેડ પ્રેસ અહેવાલ અનુસાર શનિવારે રાત્રે રફાહ વિસ્તારમાં ઘરો પર ત્રણ હવાઈ હુમલામાં 28 લોકોના મોત થયા હતા.

સમાચાર એજન્સીએ માહિતી આપી હતી કે શનિવારે લેબનોનની દક્ષિણી સરહદની અંદર લગભગ 60 કિમી દૂર ઇઝરાયેલી હુમલામાં એક પેલેસ્ટિનિયન વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો, જોકે હુમલામાં અન્ય ત્રણ લોકો માર્યા ગયા હતા, જેમાં હમાસના સહયોગી અને ઈરાન સમર્થિત લેબનાની સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના સભ્યનો સમાવેશ થાય છે.

બંધકોની મુક્તિ માટે તેલ અવીવમાં પ્રદર્શન
બંધકોની મુક્તિ અને નવી ચૂંટણીની માંગ સાથે વિરોધ પ્રદર્શન થયું અને શનિવારે રાત્રે તેલ અવીવમાં સાત વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ કેટલાક પ્રદર્શનકારીઓએ દક્ષિણ તરફ જતો આયાલોન હાઈવે બ્લોક કરી દીધો હતો. વિરોધીઓએ આગ લગાવી અને થોડા સમય માટે દક્ષિણ તરફનો લેન બંધ કરી દીધો હતો. બીજી બાજુ જેરુસલેમના પેરિસ સ્ક્વેર ખાતે મોટી ભીડ એકત્ર થઈ બંધકોને મુક્ત કરવાની માંગ કરી હતી. લોકોએ તેમના પરિવારના સભ્યોને પાછા લાવવા બેન્જામિન નેતન્યાહુને વિનંતી કરી છે. માહિતી અનુસાર હમાસે હજુ પણ 7 ઈઝરાયેલના 253 બંધકોમાંથી 100 થી વધુને પકડી રાખ્યા છે.