2000 બોમ્બથી હુમલો, 1600 ટાર્ગેટને નિશાન બનાવ્યા: હવે હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટ પર ઈઝરાયેલનો મોટો હુમલો
Israel Hamas War: લેબનોનમાં રેડિયો સિસ્ટમ હેક થયાના અને ઇઝરાયેલી સંદેશ સંભળાયાના થોડા સમય બાદ, IDF એ હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટા પ્રમાણમાં હવાઈ હુમલા શરૂ કર્યા. લેબનોનના બેરૂતમાં કરવામાં આવેલ આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા. અહીં દાહામાં એક ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ. હિઝબુલ્લાહના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો કે આઈડીએફના હુમલામાં દાહાના અલ-રબીરી વિસ્તારમાં એક બિલ્ડિંગના ત્રણ માળ નાશ પામ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે લેબનોનના બેરૂતમાં જ હિઝબુલ્લાહનું મિસાઈલ યુનિટ આવેલું છે. આ જ કારણ છે કે ઇઝરાયલી સેના તેને નષ્ટ કરવા માટે સતત હવાઈ હુમલા કરી રહી છે. IDF દાવો કરી રહ્યું છે કે તેના ફાઇટર જેટ્સે આ વિસ્તારોમાં લગભગ 2000 બોમ્બ ફેંક્યા છે. સોમવારે ઇઝરાયેલે લેબનોનની અંદર 1600 હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આમાં 585 લોકો માર્યા ગયા હતા, જ્યારે 1645 લેબનીઝ ઘાયલ થયા હતા.
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના હુમલા બાદ હજારો લેબનીઝ તેમના ઘર છોડીને ભાગતા જોવા મળ્યા હતા. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, “અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે અમારા પર તોળાઈ રહેલા જોખમોને દૂર કરવા માંગીએ છીએ. ઉત્તરીય સરહદ પર 7 ઓક્ટોબર જેવો કોઈ ખતરો નહીં હોય. આ સલામત મર્યાદા હોવી જોઈએ. આ અમારું મિશન છે. આ માટે જે કંઈ કરવું પડશે તે કરીશું.”
આ હુમલાઓના જવાબમાં હિઝબુલ્લાહએ પણ ઈઝરાયેલની સરહદ પર રોકેટનો વરસાદ કર્યો હતો. હિઝબુલ્લાહ તરફ 200થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગની મિસાઈલ્સને ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં નષ્ટ કરી દેવામાં આવી હતી. કેટલાક રોકેટ ઉત્તરીય શહેર હાઈફા અને કબજે કરાયેલ વેસ્ટ બેંક સહિત ઇઝરાયલના અંદરના વિસ્તારોમાં સફળ રહી હતી. હિઝબુલ્લાહના હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી.
હિઝબુલ્લાહના સતત હુમલા બાદ ઈઝરાયેલે સોમવારે તેની સામે સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. 18 વર્ષ બાદ એટલે કે વર્ષ 2006માં બંને વચ્ચેના યુદ્ધ બાદ આ સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. દરમિયાન, મંગળવારે લેબનોનમાં રેડિયો સિસ્ટમ હેક કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે ત્યાંના રેડિયો નેટવર્ક પર અચાનક એક ઈઝરાયેલનો સંદેશ સંભળાવા લાગ્યો, જેમાં લોકોને હિઝબુલ્લાહ વિસ્તાર ખાલી કરીને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું હતું.
પહેલા પેજર, વોકી-ટોકી, અને બાદમાં સોલાર એનર્જી સિસ્ટમમાં બ્લાસ્ટ અને ત્યારબાદ રેડિયો સિસ્ટમ હેક થવાથી લેબનોનના લોકોમાં ભય ફેલાયો હતો. હિઝબુલ્લાહના લડાકુઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમને તમામ પ્રકારના ગેજેટ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. સોમવારે પણ ઈઝરાયેલ તરફથી ફોન કોલ કરવામાં આવ્યો હતો જેમાં લોકોને તાત્કાલિક તેમના ઘર અને ઈમારતો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. લેબનોનમાં 80 હજારથી વધુ શંકાસ્પદ ઈઝરાયેલ કોલ આવ્યા હતા.