IND vs PAK મેચ પર આતંકીઓની નજર, T20 World Cup 2024ની શરૂઆત પહેલા જ ધમકી
T20 World Cup 2024: ટી-20 વર્લ્ડ કપ 2024 અંતર્ગત 9 જૂને અમેરિકાના ન્યૂયોર્કમાં રમાનારી ભારત અને પાકિસ્તાન મેચ (Ind vs Pak) પર આતંકવાદનો પડછાયો છવાયેલો છે. ISIS એ IND vs PAK મેચ દરમિયાન આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી છે. ISISએ એક પોસ્ટર જાહેર કરીને ખૂબ જ ડરાવતો સંદેશો મોકલ્યો છે. આ ધમકી બાદ ગુપ્તચર વિભાગો એલર્ટ મોડ પર આવી ગયા છે અને ન્યૂયોર્કમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચ 9 જૂન રવિવારના રોજ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત-પાક મેચની રાહ જોઈ રહ્યા છે
ટી-20 વર્લ્ડ કપ 2024નો આગાઝ 2 જૂનથી થશે. જેનું સંયુક્ત આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવશે. ભારત તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામે કરશે. આ પછી 9મી જૂને પાકિસ્તાન સાથે શાનદાર મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકીએ સૌ કોઇને હચમચાવી દીધા છે.
ભારત-પાકિસ્તાન મેચ પર આતંકવાદી પડછાયો
ટી-20 વર્લ્ડ કપ 2024 અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને આઇએસઆઇએસ એ ડરામણી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં મેચની તારીખ સાથે લખ્યું છે કે તમે મેચની રાહ જુઓ અને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. આ સાથે બેકગ્રાઉન્ડમાં એક આતંકવાદી બંદૂક સાથે ઉભો જોવા મળે છે. આ મેસેજથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે આતંકવાદીઓ મેચ દરમિયાન રક્તપાત કરવાની ધમકી આપી રહ્યા છે.