January 16, 2025

યુદ્ધના મેદાનમાં ભારતે મોકલ્યો શાંતિ સંદેશ, ઈરાનના મિસાઈલ હુમલા પર શું કહ્યું?

Iran: ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલ હુમલો અને ત્યારબાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહુ દ્વારા આપવામાં આવેલી ધમકીએ પશ્ચિમ એશિયામાં એક મોટું યુદ્ધ શરૂ કર્યું છે. ત્યારે ભારતે પણ પ્રથમ વખત વર્તમાન પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.

પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયે વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છીએ અને તમામ સંબંધિતોને સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા કરવા માટે અમારા આહ્વાનનો પુનરોચ્ચાર કરીએ છીએ.

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે સંઘર્ષ વ્યાપક પ્રાદેશિક પરિમાણ ન લે તે મહત્વનું છે અને અમે વિનંતી કરીએ છીએ કે તમામ મુદ્દાઓ વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવામાં આવે.

ઈઝરાયલ એમ્બેસીની સુરક્ષા વધારી દેવામાં આવી
ઈરાન દ્વારા ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ સર્જાયેલા તણાવને જોતા દિલ્હીમાં ઈઝરાયલ દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અબ્દુલ કલામ રોડને બેરીકેટ્સ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના વાહનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ! એરપોર્ટ પર જતા પહેલા ચેક કરી લો એડવાઈઝરી, સરકારે આપી સલાહ

ઈરાન મધ્ય પૂર્વને જોખમમાં મૂકે છે – બ્રિટિશ પીએમ

ઈરાનના હુમલા પર બ્રિટને પણ આકરી પ્રતિક્રિયા આપી છે. બ્રિટનના સંરક્ષણ વડાનું કહેવું છે કે ઈરાનના મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવવામાં બ્રિટનની સેનાએ ઈઝરાયલને મદદ કરી હતી. એક્સ પર લખતા, સંરક્ષણ સચિવ જોન હેલીએ કહ્યું કે બ્રિટિશ સૈન્યએ મધ્ય પૂર્વમાં તેની ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન કીર સ્ટારમેરે જણાવ્યું હતું કે બ્રિટન ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે ઈરાને ઘણા લાંબા સમયથી મધ્ય પૂર્વને જોખમમાં મૂક્યું છે.