December 18, 2024

IPL 2024: દિલ્હીના બોલરોને પછાડનાર અભિષેક શર્મા કોણ છે?

IPL 2024: ગઈ કાલની મેચમાં હૈદરાબાદની ટીમની શાનદાર જીત થઈ હતી. હૈદરાબાદની ટીમમાં અભિષેક શર્માનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે ખાલી 12 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. આ તમામ વાત વચ્ચે તમને સવાલ થશે કે કોણ છે અભિષેક શર્મા?

ધમાકેદાર ઈનિંગ રમી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ જોરદાર રમતી જોવા મળી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ કમાલ કરી દીધી હતી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં અભિષેક અને હેડની ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં જ સ્કોર 125 રન સુધી પહોંચાડ્યો હતો. દિલ્હીને હરાવવા માટે આ કારણ પણ મહત્વનું રહ્યું હતું. શર્માએ માત્ર 12 બોલમાં 46 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં તેણે 6 સિક્સ અને 2 ફોર પણ ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 383.33 હતો. મેચ દરમિયાન અભિષેક મેદાન પર અલગ મૂડમાં જ જોવા મળ્યો હતો. મેચ બાદ સતત તેની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાનો વીડિયો થયો વાયરલ, ખેલાડી સાથે કર્યું આવું

દિલ્હી તરફથી ડેબ્યૂ કર્યું
અભિષેક શર્મા ભારતીય ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે. તેણે વર્ષ 2018માં પૃથ્વી શૉની કપ્તાનીમાં ICC અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં દિલ્હી કેપિટલ્સે 55 લાખ રૂપિયામાં અભિષેકને તેમની ટીમનો ભાગ બનાવ્યો હતો. IPLમાં પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 19 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. મહત્વની વાત એ છે કે તેને અત્યાર સુધીમાં ખાલી 3 વખત જ મેચ રમવાની તક મળી છે.

અભિષેકના પિતા ક્રિકેટ ખેલાડી હતા
અભિષેક શર્માની ક્રિકેટમાં રુચિનું સૌથી મોટું કારણ તેના પિતા કહી શકાય. તેના પિતા પણ ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યા છે. રમવાની ઘણી તકો ન મળતાં તેણે પોતાના સૌથી નાના પુત્ર અભિષેકને રમતમાં ધકેલવાનું નક્કી કર્યું હતું. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે પંજાબ માટે રણજી ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ દાવમાં અડધી સદી સાથે 94 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના અનુભવી ખેલાડી યુવરાજ સિંહની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. યુવરાજ સિંહે રણજી મેચ દરમિયાન પંજાબ તરફથી રમતા અભિષેકની પ્રતિભાને ઓળખી હતી. તે બાદ તેઓ તેમને રમતમાં સુધારા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.