January 23, 2025

GTના કેપ્ટન શુભમન ગિલને ફટકાર્યો દંડ, કરી દીધી આ મોટી ભૂલ

IPL 2024: IPL 2024માં પ્રથમ વખત કોઈ ટીમના કેપ્ટન પર દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં જીટીના કેપ્ટન શુભમન ગિલે મોટી ભૂલ કરી હતી. જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેઓ CSK સામે ધીમા ઓવર રેટ માટે દોષિત જણાયા હતા. આ તેનો પહેલો ગુનો છે અને તેના કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગુજરાત માટે આ સિઝનની માત્ર બીજી મેચ છે.

IPL દ્વારા જારી કરાયેલી સત્તાવાર મીડિયા રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને IPL 2024ની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 26 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: IPL 2024ની 7 મેચમાં ચાલી રહ્યો છે આ ટ્રેન્ડ, શું MI તોડી શકશે આ તિલિસ્મ?

મેચમાં પણ સજા થઈ હતી
ગુજરાત ટાઇટન્સે તેની 20મી ઓવરની બોલિંગ સમયસર શરૂ કરી ન હતી. આ જ કારણ છે કે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. મેચમાં પણ તેને સજા કરવામાં આવી હતી કારણ કે છેલ્લી ઓવર દરમિયાન 30-યાર્ડ સર્કલની બહાર માત્ર ચાર ખેલાડીઓ હતા. જો 20મી ઓવર સમયસર નાખવામાં આવી હોત તો કેપ્ટન શુભમન ગિલને 30-યાર્ડ સર્કલની બહાર પાંચ ખેલાડીઓ મૂકવાની મંજૂરી આપવામાં આવી હોત. જોકે, CSKએ છેલ્લી ઓવરમાં માત્ર 8 રન બનાવ્યા હતા.

ગિલની તકલીફ વધી શકે છે?
ગુજરાત ટાઇટન્સની આ બીજી મેચ હતી અને બીજી જ મેચમાં ધીમી ઓવર રેટનો પહેલો ગુનો કેપ્ટન શુભમન ગીલે કર્યો હતો. જો તેઓ બીજી વખત દોષી સાબિત થશે તો તેમને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય ટીમના અન્ય તમામ ખેલાડીઓને 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવશે. ત્રીજી વખત સ્લો ઓવર રેટના કારણે કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક લીગ મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. બાકીના ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવશે.