May 3, 2024

રચિન રવિન્દ્રએ 20 બોલમાં ગુજરાત ટાઈટન્સની બોલિંગને વેરવિખેર કરી નાંખી

IPL 2024, CSK VS GT: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 7મી મેચ મંગળવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તરત જ પોતાનો નિર્ણય બદલીને બોલિંગ પસંદ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સની શરૂઆત કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ કરી હતી.

મેચની પ્રથમ ઓવર અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​ફેંકી હતી અને માત્ર 2 રન આપ્યા હતા. ગાયકવાડ આ ઓવરમાં એક કેચ પણ ચૂકી ગયો હતો. રચિન રવિન્દ્રએ બીજી ઓવરના ચોથા બોલથી ગિયર્સ બદલ્યો અને પહેલા સિક્સર અને પછી ફોર ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ત્રીજી ઓવરમાં રચિને પણ ઉમરઝઈને ખરાબ રીતે ધોયો હતો અને 12 રન બનાવ્યા હતા. કિવી ઓલરાઉન્ડર ઇનિંગ્સની ચોથી ઓવરમાં વધુ આક્રમક બન્યો હતો અને તેણે પહેલા જ બોલ પર 6 રન ફટકાર્યા હતા. જે બાદ આગામી બોલ ધડાકા સાથે બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો.

ત્યારબાદ રચિને બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા પરંતુ છઠ્ઠી ઓવરમાં રાશિદ ખાનની સ્પિનમાં કેચ થઈ ગયો. રચિને 20 બોલમાં 46 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જેમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. રચિનની આ ઇનિંગની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ 5 ઓવરમાં 58 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: શું ધોની સામે ગાયકવાડ માત્ર રિમોટ કંટ્રોલનો કેપ્ટન બનીને રહી ગયો?

આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 63 રને હરાવી દીધુ હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 143 રન બનાવી શકી હતી. આ જીત સાથે રુતુરાજની આગેવાનીમાં ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં ચાર અંક સાથે શીર્ષ સ્થાને પહોંચી ગઇ છે. સીએસકેની આગામી મેચ 31 માર્ટે દિલ્હી કેપિટલ્સ સામે છે. ત્યાં જ ગુજરાત ટાઇટન્સની આગામી મેચ 31 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.