December 24, 2024

Indian Student Death : એક વર્ષમાં ચોથી ઘટના, અમેરિકામાં મૃત મળ્યો ભારતીય વિદ્યાર્થી

ઓહિયો : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ ઘટના અમેરિકાના સિનસિનાટી શહેરમાં બની હતી. માહિતી અનુસાર મૃતક શ્રેયસ રેડ્ડીએ ઓહિયોમાં લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કર્યો છે.  મૃત્યુ કેવી રીતે થયું તે હજુ જાણી શકાયુ નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. અગાઉ ભારતીય મૂળના વધુ બે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. ન્યૂયોર્કમાં ભારતીય દૂતવાસે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને પર દુઃખ વ્યક્ત કર્યું હતું વધુમાં જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું, “ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. પોલીસ તપાસ ચાલુ છે. એમ્બેસી પરિવારના સંપર્કમાં છે. તેમને તમામ સહકાર આપી રહ્યાં છીએ.

નીલ આચાર્ય પણ મૃત હાલતમાં મળી આવ્યા
શ્રેયસ રેડ્ડી પહેલા ભારતીય મૂળના બે અન્ય વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી હતી. અગાઉ ઇન્ડિયાનામાં નીલ આચાર્ય નામના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. માહિતી અનુસાર નીલ આચાર્ય રવિવારથી ગુમ હતો. થોડા કલાકો બાદ તેનો મૃતદેહ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવ્યો હતો. બીજી ઘટનામાં, 16 જાન્યુઆરીએ જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની નામના ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી.

જ્યોર્જિયામાં વિવેક સૈનીની હત્યા
જ્યોર્જિયામાં વિવેક સૈની MBA કરી રહ્યો હતો. તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો. હકિકતે ભારતીય વિદ્યાર્થીએ એક બેઘર વ્યક્તિ પ્રત્યે દયા બતાવી હતી અને તેને વિવિધ રીતે મદદ કરી હતી. જોકે જે દિવસે ભારતીય વિદ્યાર્થીએ મદદ કરવાનું બંધ કરી દીધું તે દિવસે આ વ્યક્તિએ વિવેક સૈનીની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. 16 જાન્યુઆરીના રોજ સૈનીને હથોડી વડે માર માર્યો હતો. બીજી બાજુ આ વર્ષે જાન્યુઆરીમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થી અકુલ ધવન ઇલિનોઇસ યુનિવર્સિટીની બહાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે તેનું મૃત્યુ હાયપોથર્મિયાથી થયું હતું. અકુલ ધવનના પરિવારજનોએ યુનિવર્સિટી પ્રશાસન અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુમ થયાની જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો.