January 19, 2025

મુઈઝુનો ચીન પ્રત્યે પ્રેમ છતાં, માલદીવમાં ભારતીય પ્રોજેક્ટ્સને મળ્યો વેગ

માલેઃ ગયા વર્ષે મોહમ્મદ મુઈઝુએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારથી ભારત અને માલદીવ દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઇ છે. અગાઉ પહેલા પણ ભારત અને માલદીવ વચ્ચે ઘણી વખત તણાવ જોવા મળ્યો હતો, પરંતુ આ બધું હોવા છતાં માલદીવમાં ભારતના ચાલી રહેલા પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે, કારણ કે ભારતે માલદીવને આર્થિક મદદ ચાલુ રાખી છે. સત્તાવાર રેકોર્ડ મુજબ માર્ચમાં પૂરા થતા આ નાણાકીય વર્ષમાં ભારતે માલદીવમાં પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા 7 બિલિયન ફાળવ્યા છે. નોંધનીય છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ચીનના સમર્થક છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. સરકારમાં આવ્યા બાદ પણ તેણે ખુલ્લેઆમ ચીન તરફ પોતાનો ઝુકાવ દર્શાવ્યો છે અને ઘણી વખત તે ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ
બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો છતાં ભારતે માલદીવને વિકાસ સહાયમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ પોતાના દેશમાંથી ભારતીય સૈનિકોને હટાવવાની માંગ કરતા ચીન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.જેના કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો નબળા પડ્યા હતા જોકે બંને દેશો વચ્ચેના વિકાસ સહયોગ પર કોઈ અસર થઈ નથી. ભારતના સતત સમર્થનને કારણે માલદીવના પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ પ્રયાસોમાં રસ્તાઓ, પુલો અને એરપોર્ટના નિર્માણનો સમાવેશ થાય છે.

ભારત સરકાર સૈનિકોને બોલાવવા સંમત
મોહમ્મદ મુઈઝ્ઝુની વિનંતીને પગલે ભારત સરકાર મે સુધીમાં માલેમાંથી પોતાની સેનાને હટાવવા માટે સંમત થઈ છે. બીજી બાજુ ભારત તરફથી આપવામાં આવતી માનવતાવાદી અને તબીબી સહાય પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નાણાકીય ફાળવણીના સંદર્ભમાં માલદીવને ભારતનું સમર્થન પડોશી દેશ ભૂટાન પછી બીજા ક્રમે છે. ભારત માલદીવને આર્થિક મદદ કરવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ માલદીવના ચીન સાથેના વધતા સંબંધોથી ભારત ચિંતિત છે. તાજેતરમાં જ માલદીવે તેના બંદરગાહ પર ચીનના સંશોધન જહાજને આવવાની મંજૂરી આપી છે. આ પડકારો છતાં ભારત માલદીવને વિકાસ સહાય માટે પ્રતિબદ્ધ છે.